January 3, 2025

1.25 કરોડની લોન ન ભરતા ઇસનપુરની લોટસ હાયર સેકન્ડરી સ્કુલ સીલ કરાઇ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષણ જગતને લઈને રોજે રોજ સમાચારો આવતા રહે છે. ત્યારે હવે, અમદાવાદની એક સ્કૂલ ચર્ચામાં આવી છે. અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલી લોટસ સ્કુલના સંચાલકે લોન ભરપાઇ ન કરતા શાળાને સીલ કરી દેવામા આવી છે જેને લઇને શાળામા અભ્યાસ કરતા 300થી વધુ વિદ્યાર્થીઓેનો અભ્યાસ બગડી રહ્યો છે. આ સમગ્ર મામલે અમદાવાદના DEO દ્વારા સંચાલકને નોટિસ ફટકારી યોગ્ય વ્યવસ્થા ક્યા કરવામાં આવશે તે અંગે રૂબરૂમાં બોલાવીને ખલુસાો કરવા જણાવ્યુ છે.

અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમા આવેલી લોટસ હાયર સેકન્ડરી સ્કુલ જે બિલ્ડિંગમાં ચાલે છે તે 35 વર્ષ જુની છે. તેના પ્રથમ માળથી લઇને ત્રીજા માળ સુધી શાળાનુ શૈક્ષણીક કાર્ય ચાલે છે જ્યારે નીચેની બાજુએ દુકાનો આવેલી છે. સ્કુલના ટ્રસ્ટ દ્વારા બિલ્ડીગને મોર્ગેજમાં મુકીને કરોડો રૂપિયાની લોન લેવામાં આવી હતી. સ્કૂલના સંચાલક દ્વારા આ લોન ભરપાઇ કરવામાં ન આવતા પંજાબ નેશનલ બેંક દ્વારા સ્કૂલને સીલ કરી દેવામા આવી છે.

ન્યુઝ કેપીટલ સાથેની વાતચીતમાં અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ જણાવ્યુ હતુ કે શાળાના સંચાલક દ્વારા અંદાજીત 1.25 કરોડ ભરવા માટે નોટિસ આપવામા આવી હતી. મેજીસ્ટ્રેટ દ્વારા પણ ઓર્ડર કરવામા આવ્યો હતો કે શાળાના સંચાલક દ્વારા 10 ઓગસ્ટ સુધીમાં રૂપિયા ભરવામા ન આવે તો સિલિંગની કાર્યવાહી કરવા માટે આદેશ કરવામા આવ્યો હતો પરંતુ ટ્રસ્ટ દ્વારા રકમ ભરપાઇ કરવામા ન આવતા પંજાબ નેશનલ બેંક દ્વારા 1.25 કરોડ ન ભરવાને કારણે શાળાને સીલ કરી દેવામા આવી છે.

શાળા સીલ કરી દેવામા આવતા શાળામા અભ્યાસ કરતા અંદાજીત 300 જેટલા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. આ સમગ્ર મામલે ડીઇઓ દ્વારા શાળાને નોટિસ આપીને વિદ્યાર્થીઓને અન્યત્ર વૈકલ્પીક વ્યવસ્થા ક્યા કરવામા આવશે તેને લઇને 20 તારીખે રૂબરૂમાં બોલાવવામા આવ્યા છે. શાળા દ્વારા કોઇપણ વૈકલ્પીક વ્યવસ્થા કરવામા નહી આવે તો ડીઇઓ દવારા વિદ્યાર્થીઓ માટે અન્ય વ્યવસ્થાઓ કરવામા આવશે.