January 23, 2025

અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટનો આતંકવાદી હુમલો, ચીની નાગરિક પર હુમલાની જવાબદારી લીધી

Afghanistan: અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ (IS) ફરીથી પગપેસારો કર્યો છે. તાલિબાન શાસનની સ્થાપના પછી, અફઘાનિસ્તાનમાં આતંકવાદી જૂથો સામે ઘણી કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ હવે દેશમાં આતંકવાદી હુમલાઓ ફરી વધી ગયા છે. બુધવારે, એક ચીની નાગરિકને લઈ જતી કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ચીની નાગરિકનું મોત થયું હતું. હવે IS એ આ હુમલાની જવાબદારી લીધી છે.

બુધવારે મોડી રાત્રે ઇસ્લામિક સ્ટેટે તેની ટેલિગ્રામ ચેનલ પર એક પોસ્ટમાં અફઘાનિસ્તાનના ઉત્તરી તખાર પ્રાંતમાં એક ચીની નાગરિક પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી હતી. હત્યા બાદ ચીને તેની નિંદા કરી અને અફઘાન સરકાર પાસેથી ગુનેગારોને કડક સજાની માંગ કરી.

અફઘાન પોલીસે બુધવારે જણાવ્યું હતું કે ચીની નાગરિકની હત્યા અંગે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ હુમલા પાછળ કોણ હતું તે સ્પષ્ટ નથી. ઇસ્લામિક સ્ટેટે કહ્યું કે તેણે એક ચીની નાગરિકને લઈ જતા વાહનને નિશાન બનાવ્યું, જેમાં તેનું મોત થયું અને તેના વાહનને નુકસાન થયું. શરૂઆતની તપાસમાં, તાલિબાને ચીની નાગરિકના ટ્રાન્સેલટરની અટકાયત કરી છે અને ગુનેગારો સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો: નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર PM મોદીએ ‘વિકસિત ભારત’ માટે એક થવાનું કર્યું આહ્વાન

અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં વધારો
અફઘાનિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં, પાકિસ્તાન સરકારે પણ અફઘાનિસ્તાન પર આતંકવાદીઓને પોષવાનો અને તાલીમ આપવાનો આરોપ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલી ઘટના નથી જેમાં કોઈ વિદેશી નાગરિકની હત્યા કરવામાં આવી હોય.

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર ફરીથી કબજો કર્યો ત્યારથી, ISIS-K એ અફઘાન શહેરોમાં ઘણા મોટા હુમલાઓ કર્યા છે. જેમાં ઘણીવાર દેશના શિયા સમુદાયના સભ્યો સહિત નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ગયા વર્ષે જૂનમાં, ISIS આતંકવાદીઓના હુમલામાં ત્રણ સ્પેનિશ નાગરિકો અને ત્રણ અફઘાન નાગરિકો માર્યા ગયા હતા. આ ઘટનામાં ચાર અન્ય વિદેશી નાગરિકો પણ ઘાયલ થયા હતા.