January 18, 2025

ઈઝરાયેલે ગાઝા યુદ્ધવિરામને મંજૂરી આપી, સુરક્ષા કેબિનેટમાં પ્રસ્તાવ મંજૂર, સંપૂર્ણ કેબિનેટ લેશે અંતિમ નિર્ણય

Israel Hamas Gaza Ceasefire: ગાઝામાં 15 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લગભગ નિશ્ચિત છે. ઈઝરાયેલની સુરક્ષા કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેમાં ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાની જોગવાઈ છે. હવે આ પ્રસ્તાવને સંપૂર્ણ કેબિનેટમાં મૂકવામાં આવશે, જ્યાંથી મંજૂરી મળ્યા બાદ રવિવારે યુદ્ધવિરામ લાગુ થઈ શકે છે. આ પછી હમાસ બંધકોને મુક્ત કરી શકે છે.

આ પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પોતે જ માહિતી શેર કરી હતી કે ગાઝામાં છ સપ્તાહના યુદ્ધવિરામ કરાર પર સહમતિ બની છે. જો કે, તેમણે સોદાને મંજૂરી આપવામાં વિલંબ માટે હમાસ સાથે છેલ્લી ઘડીના વિવાદોને જવાબદાર ઠેરવ્યા હતા. નેતન્યાહુએ કહ્યું કે તેમણે સ્પેશિયલ ટાસ્ક ફોર્સને બંધકોને મેળવવા માટે તૈયાર રહેવા સૂચના આપી છે. બંધકોના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે કે સમજૂતી થઈ ગઈ છે. ઇઝરાયેલે લાંબા સમયથી રાહ જોવાતી યુદ્ધવિરામ સમજૂતી પર ગુરુવારે કેબિનેટ મતદાન મુલતવી રાખ્યું હતું. આ કરાર હેઠળ ગાઝા પટ્ટીમાં યુદ્ધ અટકાવવામાં આવશે અને ડઝનબંધ બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરવામાં આવશે. એક દિવસ પહેલા, યુએસ પ્રમુખ જો બાઈડેન અને મુખ્ય મધ્યસ્થી કતારે કરાર પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.

33 બંધકોને મુક્ત કરવામાં આવશે
ઇઝરાયેલના મેડિકલ ડિરેક્ટોરેટના વડા ડો. હાગર મિઝરાહીએ જણાવ્યું હતું કે, અમારી મુખ્ય ચિંતા બંધકોની લાંબા ગાળાની અટકાયત છે. તેઓ કદાચ ખૂબ જ નબળી સ્થિતિમાં રાખવામાં આવ્યા છે, પોષણ અને સ્વચ્છતાનો અભાવ છે. લગભગ 100 બંધકોમાં થાઈલેન્ડ, નેપાળ અને તાન્ઝાનિયાના નાગરિકો સામેલ છે. યુદ્ધવિરામ કરાર હેઠળ રવિવારે 33 બંધકોને મુક્ત કરવામાં આવી શકે છે. જેમાં 50 વર્ષથી ઉપરની તમામ મહિલાઓ, બાળકો અને પુરૂષોનો સમાવેશ થશે. સૈનિકો સહિત બાકીના બંધકોને આગામી રાઉન્ડમાં મુક્ત કરવામાં આવશે. બદલામાં, ઇઝરાયેલ આગામી છ અઠવાડિયામાં સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. કેદીઓ સાથે કામ કરતી હમાસ ઓફિસના વડા ઝહેર જબરીને શુક્રવારે જણાવ્યું હતું કે ઇઝરાયેલની જેલમાંથી મુક્ત કરાયેલા લોકોના નામ જાહેર કરવામાં આવશે.

ગાઝાના ઘણા વિસ્તારોમાંથી ઈઝરાયેલી સેના હટી જશે
કરાર હેઠળ, ઇઝરાયલી દળો ગાઝાના ઘણા વિસ્તારોમાંથી હટી જશે. આ પછી પેલેસ્ટિનિયન નાગરિકો તેમના ઘરે પરત ફરી શકશે, જેમને યુદ્ધની શરૂઆત બાદ શરણાર્થી શિબિરોમાં દિવસો વિતાવવાની ફરજ પડી હતી. બીજી તરફ હમાસે કહ્યું છે કે જ્યાં સુધી સંઘર્ષ સંપૂર્ણ રીતે સમાપ્ત ન થાય ત્યાં સુધી તે તમામ બંધકોને છોડશે નહીં.

15 મહિનામાં 46 હજારથી વધુ લોકોના મોત થયા છે
હમાસે 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આમાં 1,200 લોકો માર્યા ગયા હતા. તેણે લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા. તેમાંથી ઘણા મૃત્યુ પામ્યા છે, જ્યારે કેટલાકને મુક્ત પણ કરવામાં આવ્યા છે. ગાઝા યુદ્ધમાં અત્યાર સુધીમાં 46 હજારથી વધુ લોકો માર્યા ગયા છે.