બેરૂતમાં સંસદ નજીક ઈઝરાયલનો હવાઈ હુમલો, બોમ્બ ધડાકામાં 6ના મોત, 7 ઘાયલ
લેબનોન: લેબનોનના સેન્ટ્રલ બેરૂત પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ હુમલામાં સાત લોકો ઘાયલ પણ થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ગુરુવારે સવારે બેરૂતના બચૌરા વિસ્તારમાં સંસદની નજીક એક બિલ્ડિંગને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. લેબનીઝ સરકારના મુખ્યાલય પર આ સૌથી નજીકનો ઇઝરાયેલે કરેલો હુમલો છે. સોમવારે (30 સપ્ટેમ્બર) ઈરાને ઈઝરાયેલ પર લગભગ 200 મિસાઈલો છોડી હતી. ત્યારપછી ઈઝરાયેલ તરફથી વળતો હુમલો થઈ રહ્યો છે.
લેબનીઝ સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ મિસાઇલો દહિયાહના દક્ષિણ ઉપનગરમાં પણ પડી હતી, જ્યાં ગયા અઠવાડિયે હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહ માર્યા ગયા હતા. મિસાઈલ પડ્યા બાદ જોરદાર વિસ્ફોટો પણ સંભળાયા હતા. બુધવારે ઇઝરાયેલે દક્ષિણી શહેરો પર એક ડઝનથી વધુ હુમલા કર્યા હતા.
આ પણ વાંચો: અહો આશ્ચર્યમ: આ ગામમાં રૂ.2 કરોડમાં સરપંચ પદની હરાજી થઈ
આઠ ઇઝરાયેલ સૈનિકો મૃત્યુ પામ્યા
ઈરાને 180થી વધુ મિસાઈલો છોડ્યાના એક દિવસ બાદ ઈઝરાયેલે બુધવારે જણાવ્યું હતું કે, દક્ષિણ લેબનોનમાં જમીનની લડાઈમાં તેના આઠ સૈનિકો માર્યા ગયા હતા. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર તેની સેના લેબનોનમાં પણ ગ્રાઉન્ડ ઓપરેશન કરી રહી છે. હિઝબુલ્લાએ કહ્યું કે તેના લડવૈયાઓ લેબનોનમાં ઇઝરાયેલી સેના સાથે અથડામણ કરી હતી. હિઝબુલ્લાહે કહ્યું કે તેણે મેરૂન અલ રાસ નજીક રોકેટ વડે ત્રણ ઇઝરાયેલી મેરકાવા ટેન્કનો નાશ કર્યો છે.
નેતન્યાહુએ શોક વ્યક્ત કર્યો
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક શોક વિડીયોમાં જણાવ્યું હતું કે, “અમે ઇરાનની દુષ્ટતાની ધુરી વિરૂદ્ધ મુશ્કેલ યુદ્ધના ચરમ પર છીએ, જે આપણને નષ્ટ કરવા માંગે છે. આવું થશે નહીં કારણ કે અમે સાથે અને ભગવાનની મદદ સાથે ઉભા રહીશું અને એક સાથે જીતીશું.” લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં દેશના દક્ષિણ અને કેન્દ્રમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 46 લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલ પર 180 થી વધુ રોકેટ ફાયર કર્યા બાદ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેની કાર્યવાહી પૂરી થઈ ગઈ છે, પરંતુ જો ઈઝરાયેલ વધુ કોઈ હુમલો કરશે તો તેનો જવાબ આપવામાં આવશે. સાથે જ ઈઝરાયેલે કહ્યું છે કે ઈરાનને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે.