November 24, 2024

સપા-કોંગ્રેસ ગઠબંધનના 4 દિવસમાં જ બળવો શરૂ..! સલમાન ખુર્શીદ થયા ગુસ્સે

SP-Congress Alliance: ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે સાથે મળીને લડવાનું નક્કી કર્યું છે. સપા અને કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનની જાહેરાતને ચાર દિવસ પણ નથી થયા અને કોંગ્રેસની અંદરથી બળવાખોરીના સમાચાર સામે આવી રહ્યાં છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ તરફથી એહેવાલ સામે આવી રહ્યાં છે. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદે સોશિયલ મીડિયા X પર લખ્યું, ‘ફર્રુખાબાદ સાથેના મારા સંબંધોને કેટલી કસોટીનો સામનો કરવો પડશે? આ સવાલ મારા વિશે નથી પણ આપણા બધાના ભવિષ્યનો છે, આવનારી પેઢીનો છે. ભાગ્યના નિર્ણયો સામે ક્યારેય ઝૂક્યો નથી. હું તૂટી શકું છુ, પણ ઝૂકીશ નહીં. તમે મને સાથ આપવાનું વચન આપો.’

નોંધનયી છે કે ભાજપ વિરુદ્ધ એકજૂથ થયેલા વિપક્ષી ગઠબંધન ‘INDIA’માં સામેલ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે બુધવારે (21 ફેબ્રુઆરી) યુપીમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલાની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યની 80 લોકસભા બેઠકોમાંથી, કોંગ્રેસ 17 બેઠકો પર ચૂંટણી લડશે અને રાજ્યની બાકીની 63 બેઠકો પર સપા અને અન્ય ગઠબંધન ભાગીદારોના ઉમેદવારો ચૂંટણી લડશે. ફર્રુખાબાદ બેઠક પણ એ 63 બેઠકોમાં સામેલ છે જેના પર સપા ચૂંટણી લડશે.

કોંગ્રેસ કઇ બેઠકો પર ચૂંટણી લડશે?
કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં રાયબરેલી, અમેઠી, કાનપુર નગર, ફતેહપુર સીકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહરાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી અને દેવરિયા સહિત 17 બેઠકો પર ચૂંટણી લડશે.