May 22, 2024

જયશંકરનો જડબાતોડ જવાબ – UNએ ભારતની ચૂંટણીની ચિંતા કરવાની જરૂર નથી

jaishankar rejected claim of commenting un on indian lok sabha election

એસ. જયશંકર - ફાઇલ તસવીર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્રને જડબાતોડ જવાબ આપ્યો છે. ગુરુવારે તેમણે કહ્યું કે, યુએનને કહેવાની જરૂર નથી કે દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ થવી જોઈએ, તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. જયશંકર ભાજપના લોકસભા ઉમેદવાર રાજીવ ચંદ્રશેખરના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે ભારતમાં ચૂંટણીઓ પર યુએન અધિકારીના નિવેદનને નકારી કાઢ્યું હતું. તેમણે કહ્યું કે, ગયા અઠવાડિયે યુએનની પ્રેસ કોન્ફરન્સમાં એક વાહિયાત નિવેદન આપવામાં આવ્યું હતું.

વિદેશ મંત્રીએ કહ્યુ કે, ‘યુએનને કહેવાની જરૂર નથી કે અમારી ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ હોવી જોઈએ. ભારતના લોકો મારી સાથે છે. ભારતના લોકો સુનિશ્ચિત કરશે કે, ચૂંટણી મુક્ત અને ન્યાયી થાય. તેથી, તેના વિશે ચિંતા કરશો નહીં.’

આ પણ વાંચોઃ આ દિવસથી ગુજરાતમાં ફરીથી ગરમી વધશે!

UN અધિકારીએ નિવેદન આપ્યું હતું
ગયા અઠવાડિયે યુએન સેક્રેટરી-જનરલના પ્રવક્તા સ્ટીફન ડુજારિકને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને વિપક્ષી કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતા જપ્ત કરવાના પગલે આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓ પહેલા ભારતમાં રાજકીય અશાંતિ વિશે પૂછવામાં આવ્યું હતું. દુજારિકે કહ્યું હતું કે, ‘અમે ખૂબ આશાવાદી છીએ કે ભારતમાં, ચૂંટણીવાળા કોઈપણ દેશમાં થાય છે તેમ રાજકીય અને નાગરિક અધિકારો સહિત દરેકના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે અને દરેક મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકશે.’

‘ભારત જડબાતોડ જવાબ આપશે’
અગાઉ જયશંકરે અન્ય દેશોને પણ કહ્યું હતું કે, તેઓ ભારતની આંતરિક બાબતો પર રાજકીય નિવેદનો આપવાનું ટાળે નહીં તો ભારત તરફથી સખત જવાબ આપવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તાજેતરની ધરપકડ અંગે યુએસ અને જર્મન રાજદ્વારીઓની ટિપ્પણી અંગેના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે આવા નિવેદનોનો વિરોધ કરે છે.

‘આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરશો નહીં’
તેમણે કહ્યુ કે, ‘કોઈએ યુએનના એક વ્યક્તિને (કદાચ રાજદ્વારી) (કેજરીવાલની ધરપકડ વિશે) પૂછ્યું અને તેણે થોડો જવાબ આપ્યો. પરંતુ, અન્ય કિસ્સાઓમાં હું ખૂબ સ્પષ્ટપણે કહીશ કે આ જૂની આદતો છે, આ ખરાબ ટેવો છે. દેશો વચ્ચે સંબંધ (મર્યાદા) છે. આપણે સ્વતંત્ર દેશો છીએ, આપણે એકબીજાની આંતરિક બાબતોમાં દખલ ન કરવી જોઈએ અને આપણે એકબીજાની રાજનીતિ વિશે ટિપ્પણી કરવી જોઈએ નહીં.’

વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સંબંધોમાં અમુક શિષ્ટાચાર, પરંપરાઓ અને પ્રથાઓ છે જેનું પાલન કરવું જોઈએ. જો કોઈપણ દેશ ભારતીય રાજનીતિ પર ટિપ્પણી કરે છે, તો તેને સરકાર તરફથી સખત જવાબ આપવામાં આવશે. અમે વિશ્વના તમામ દેશોને નિષ્ઠાપૂર્વક વિનંતી કરીએ છીએ કે વિશ્વ વિશે તમારા વિચારો ચોક્કસ છે, પરંતુ કોઈ પણ દેશને બીજા દેશના રાજકારણ પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી, ખાસ કરીને આવા સંજોગોમાં.