November 22, 2024

નાકાબંધી, સર્ચ ઓપરેશન, આતંકીઓના સ્કેચ જાહેર…Jammuમાં આતંકને ડામવા ભારત તૈયાર!

Jammu Terror Attack: જમ્મુ અને કાશ્મીર સતત આતંકી હુમલાઓની ઘટના સામે આવતી રહે છે. અત્યાર સુધી સૌથી વધુ આતંકવાદ કાશ્મીર ખીણમાં જોવા મળતો હતો, પરંતુ હવે જમ્મુના શાંતિપ્રિય ગણાતા વિસ્તારોમાં પણ આતંકી હુમલા થઈ રહ્યા છે. રવિવાર (9 જૂન) થી જમ્મુના જુદા જુદા જિલ્લામાં ચાર આતંકવાદી ઘટનાઓ નોંધાઈ છે. પહેલા રિયાસીમાં બસ પર હુમલો થયો, પછી કઠુઆમાં આતંકીઓની નાપાક હરકત અને આ પછી ડોડામાં બે જગ્યાએ હુમલા કરવામાં આવ્યા હતા.

જમ્મુના ત્રણ જિલ્લામાં કુલ ચાર આતંકવાદી હુમલા થયા છે. ત્રણ દિવસના ગાળામાં ચાર હુમલાના કારણે સમગ્ર વિસ્તાર એલર્ટ પર છે. સુરક્ષા દળો સતત વાહનોનું ચેકિંગ કરી રહ્યા છે અને જંગલોમાં સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે.

ડોડામાં થયેલા આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે ચાર આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. જણાવવામાં આવ્યું છે કે આ આતંકીઓ ભદરવાહ, થાથરી અને ગંડોહના ઉપરના વિસ્તારોમાં ફરી રહ્યા છે. પોલીસે આતંકવાદીઓ વિશે માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ પણ જાહેર કર્યું છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ચાર આતંકવાદીઓની હાજરી અથવા પ્રવૃત્તિ વિશે માહિતી આપવા માટે સામાન્ય લોકો માટે ફોન નંબર જારી કર્યા છે. પોલીસે કહ્યું છે કે માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. દરેક આતંકવાદી વિશે માહિતી આપવા બદલ 5 લાખ રૂપિયા આપવામાં આવશે.

ડોડાના કોટા ટોપ વિસ્તારમાં આતંકવાદીઓના ગોળીબારમાં કોન્સ્ટેબલ ફરીદ અહેમદ ઘાયલ થયો છે. તેને સારવાર માટે સરકારી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલના અધિક્ષક ડૉ. તનવીરે જણાવ્યું કે દર્દીને ગોળી વાગી છે અને તે સ્થિર છે. છાતી અને પગમાં ગોળી વાગી છે. ઓપરેશન બાદ તે સ્થિર છે. ડોડામાં 24 કલાકની અંદર બે આતંકી હુમલા બાદ આ વિસ્તારમાં સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે. ડોડાના થાથરી વિસ્તારમાં પોલીસ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. લોકોને તેમના આઈડી બતાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. ઉપરાંત વાહન ખોલ્યા બાદ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: ઓડિશાની નવી સરકારે જગન્નાથ મંદિરને લઇ લીધો મોટો નિર્ણય

જમ્મુના ડોડા જિલ્લામાં બુધવારે (12 જૂન) રાત્રે 8.20 વાગ્યે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. જિલ્લાના ગંડોહના કોટા ટોપ વિસ્તારમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોની સંયુક્ત ટીમ પર આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં કોન્સ્ટેબલ ફરીદ અહેમદ પોતે ઘાયલ થયો હતો. પહેલો આતંકી હુમલો મંગળવારે જમ્મુના ડોડા જિલ્લામાં થયો હતો. મોડી રાત્રે આતંકીઓએ ભદરવાહ-પઠાણકોટ રોડ પર છત્તરગલ્લાના ઉપરના વિસ્તારમાં સંયુક્ત ચેકપોસ્ટ પર હુમલો કર્યો હતો. જેમાં રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાનો અને એક વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) ઘાયલ થયા હતા.

હુમલા બાદ પોલીસ અને અર્ધલશ્કરી દળોની સંયુક્ત ટીમ એક્શનમાં આવી હતી અને આતંકીઓને ખતમ કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બુધવારે રાત્રે, ટીમને ગંડોહ નજીક કોટા ટોપ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી જ્યારે તેના પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કોન્સ્ટેબલ ફરીદ અહેમદને ગોળી વાગવાથી ઈજા થઈ હતી.
આતંકવાદી હુમલાની માહિતી મળતાની સાથે જ સુરક્ષા દળોની એક ટીમ તાત્કાલિક મોકલવામાં આવી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કોટા ટોપમાં હુમલો કરનારા આતંકવાદીઓએ છત્તરગલ્લામાં પણ હુમલો કર્યો હતો કે નહીં. બંને સ્થળો વચ્ચેનું અંતર 100 કિમી છે, જે જંગલોમાં ટ્રેકિંગ કરીને 7-8 કલાકમાં પાર કરી શકાય છે.

જ્યાં ડોડા આતંકવાદી હુમલાથી હચમચી ગયું છે, તે જ રીતે આતંકવાદીઓએ મંગળવારે રાત્રે જ કઠુઆના સૈદા ગામમાં હુમલો કર્યો હતો. કઠુઆ જિલ્લાના આ ગામમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જ્યારે સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો હતો. આતંકી હુમલામાં એક સ્થાનિક રહેવાસી પણ ઘાયલ થયો છે. એક અહેવાલ મુજબ માર્યા ગયેલા બંને આતંકવાદીઓ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ દ્વારા જમ્મુમાં પ્રવેશ્યા હતા. હાલમાં પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો કઠુઆમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. તેમને ખાતરી છે કે માર્યા ગયેલા આતંકવાદીઓની સાથે અન્ય આતંકવાદીઓ પણ જંગલોમાં છુપાયેલા છે.

પહેલો આતંકવાદી હુમલો 9 જૂને જમ્મુના રિયાસી જિલ્લામાં થયો હતો. જ્યારે આતંકવાદીઓએ વૈષ્ણોદેવી મંદિરના દર્શન કરવા જઈ રહેલા ભક્તોની બસ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 9 લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે.