July 2, 2024

Jamnagarમાં 10ના સિક્કાને લઈને વેપારીઓ કહે છે, ‘ગ્રાહક નથી લેતા’; ગ્રાહક કહે છે – વેપારીઓ નથી સ્વીકારતા

સંજય વાઘેલા, જામનગરઃ ભારતીય ચલણમાં રહેલા 10 રૂપિયાનો સિક્કો આખા ભારતમાં ચાલે છે, પરંતુ ન જાણે કેમ જામનગરની પ્રજાને આ સ્વીકાર્ય નથી. જેના કારણે ન તો લોકો તેને સ્વીકારે છે કે નથી અન્ય કોઈને આપતા. જેના કારણે જામનગરની બેંકોમાં અને વેપારીઓ પાસે 10ના સિક્કાઓનો ઢગલો થઈ ગયો છે.

જામનગર શહેરમાં છેલ્લા ઘણાં સમયથી 10 રૂપિયાના સિક્કાનું બજારમાં ચલણ બંધ થઈ ગયું છે. અહીં વેપારીઓ કે અન્ય લોકો 10 રૂપિયાના સિક્કા લેતા કે દેતા નથી. જેના કારણે જામનગરની બજારોમાં 10 રૂપિયાના સિક્કા લગભગ અદ્રશ્ય જેવા થઈ ગયા છે. જે સિક્કા આવે છે તે પણ બેંકોમાં પડ્યા રહે છે અને જો કોઈ લોકો પાસે આવા સિક્કા ભેગા થઈ જાય તો તેઓ બેંકોમાં જમા કરાવી દે છે. બેંક સિક્કા સ્વીકારવાની ના પાડી શકતી નથી.

આ પણ વાંચોઃ સુરત-ધુલિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત; 3 મોત, 7 ઇજાગ્રસ્ત

જામનગર છેલ્લા ઘણાં સમયથી 10 રૂપિયાનો સિક્કો સ્વીકારવામાં આવતો નથી. વેપારીઓનું કહેવું છે કે, અમે જ્યારે ગ્રાહકોને આપીએ છીએ ત્યારે ગ્રાહકો પણ 10નો સિક્કો લેતા નથી. બીજી બાજુ ગ્રાહકોનું પણ કહેવું છે કે, કેટલાક વેપારીઓ 10નો સિક્કો સ્વીકારતા ન હોવાથી અમે પણ 10નો સિક્કો સ્વીકારતા નથી. સામાપક્ષે વેપારીઓનું પણ કહેવું છે કે, બેંકો દ્વારા સૌથી વધુ 10ના સિક્કા હોય ત્યારે જ સ્વીકારવામાં આવે છે. જ્યાં સુધી 100 સિક્કા ન થાય ત્યાં સુધી અમારી પાસે 10નો સિક્કો પડ્યો રહે છે.

જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી 10ના સિક્કાને લઈને વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે તકરાર જોવા મળી રહી છે. ભારતીય દ્વારા ભારતીય ચલણ જ સ્વીકારવો એક ગુનો છે, તેમ છતાં જામનગરમાં આરબીઆઈની ગાઈડલાઈનનું છડે ચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે.