July 2, 2024

જામનગરમાં 3 દિવસનું પ્રિ-વેડિંગ, નાના ઉદ્યોગકારોને સૌથી વધુ ફાયદો થયો

Jamnagar anant radhika prewedding function small businesses boost up

અંબાણીના પ્રિવેડિંગ ફંક્શનમાં નાના ઉદ્યોગોને વધુ ફાયદો થયો છે.

સંજય વાઘેલા, જામનગરઃ તાજેતરમાં જ જિલ્લામાં એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો. જેણે વિશ્વફલક પર જામનગરનું નામ ચર્ચામાં લાવી દીધું હતું. આ કાર્યક્રમ એટલે અંબાણી પરિવારના નાના દીકરા અનંત અને રાધિકા મર્ચન્ટની પ્રિવેડિંગ સેરેમની. એક મહિનાથી ચારેતરફ આ કાર્યક્રમની ચર્ચા થતી હતી. સોશિયલ મીડિયા પર પણ ચારેતરફ અનંત-કાધિકાના પ્રિ-વેડિંગની ચર્ચા થતી હતી. ખુદ અંબાણી પરિવારે દિલથી જામનગરનો આભાર માન્યો હતો. તો બીજી બાજુ પ્રિ-વેડિંગ સમારોહમાં દેશ વિદેશમાંથી મહેમાનો આવ્યા હતા. આ મહેમાનોએ સોશિયલ મીડિયા પર જામનગરના ભરપેટ વખાણ કર્યા હતા. ત્યારે આ અદભુત કાર્યક્રમથી જામનગરવાસીઓ પણ ખૂબ જ ખુશ જણાઈ રહ્યા છે. આ ઇવેન્ટથી જામનગરના નાના વેપારીઓને બહુ મોટો ફાયદો થયો છે.

અંબાણી પરિવારના ઘરે ત્રણ દિવસના કાર્યક્રમની તૈયારીઓ 3 મહિના પહેલાંથી જ શરૂ થઈ ચૂકી હતી. જામનગરના નાના વેપાર ઉદ્યોગોને કામ મળવાની શરૂઆત થઈ ચૂકી હતી. કેટરર્સ વ્યવસાય, વાહન વ્યવહાર વ્યવસાય, હોટેલ ઉદ્યોગ અને બાંધણી વ્યવસાય જેવા નાના વેપાર ઉદ્યોગોને ખૂબ જ ફાયદો થયો. પ્રિ-વેડિંગ પહેલાં નીતા અંબાણીએ લાલપુર સ્થિત બાંધણી વ્યવસાય કેન્દ્રની મુલાકાત લઈને જામનગરની પ્રખ્યાત બાંધણીને વૈશ્વિક ઓળખ મળી હતી. અંબાણી પરિવારે મહેમાનોને ગિફ્ટમાં પણ બાંધણી આપી હોવાથી જામનગરની બાંધણી ચર્ચામાં રહી.

વાત કરીએ જામનગરના હોટેલ સંચાલકોની તો, તેઓ માટે પ્રિ-વેડિંગથી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. પ્રિ-વેડિંગથી લઈને એક મહિના અગાઉથી જ મોટાભાગની હોટેલ હાઉસફુલ થઈ ગઈ હતી. એક સમય તો એવો હતો કે, જામનગરમાં હોટેલમાં એક રૂમ ખાલી ન હતો. તમામ હોટેલો, ગેસ્ટ હોઉસ હાઉસફુલ થઈ ગયા હતા. તો બીજી બાજુ, જામનગરમાં એક મહિના સુધી એકપણ ટેક્સી ખાલી ન હતી. ટેક્સી સંચાલકોને તો 6 મહિના સુધીની કમાણી પણ થઈ છે. મહિને 10થી 12 હજારની કમાણી થતી હતી તે અંબાણી પરિવારમાં યોજાયેલા પ્રિ-વેડિંગથી બે મહિને 30 હજારની આવક થઈ છે.

રિલાયન્સ પરિવારના પ્રિ-વેડિંગ સમારોહમાં હાજરી આપવા માટે બોલિવૂડ, ટોચના ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ, વિદેશી કલાકારો, વિદેશી રાજકીય હસ્તીઓ જામનગર આવ્યા હતા. તમામ લોકો હવાઈ માર્ગે જામનગર આવ્યા હતા. આથી એક સપ્તાહ સુધી જામનગરના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ ટેક ઓફ અને લેન્ડ કરવા માટેની કમાણી જામનગર એરપોર્ટ ઓથોરિટીને થઈ છે. આમ, અંબાણી પરિવારે પ્રસંગ માટે જામનગરને વિશ્વના નક્ષામાં ચમકાવી દીધું છે.