June 30, 2024

જામનગરમાં તંત્રની ઘોર બેદરકારી, કરંટ લાગતા ગાયનું કમકમાટીભર્યું મોત

જામનગરઃ જિલ્લા અને શહેરમાં પ્રથમ વરસાદે જ PGVCL અને તંત્રની પોલ ખોલી નાંખી છે. જામનગર શહેરમાં વીજ શોક લાગતા ગાયનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. વીજ પોલ અને ખુલ્લા બોક્સને લીધે પશુ અને લોકોના જીવને જોખમ છે. પ્રિ-મોન્સૂન કામગીરીમાં કરોડોનો ખર્ચ કર્યો છતાં પ્રથમ વરસાદે જ પોલ ખોલી નાંખી છે. શહેરમાં ગોકુલનગરમાં વીજ શોક લાગતા ગાયનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. ગાયના મોતથી પશુપાલકોમાં રોષની લાગણી છવાઈ છે.

જામનગરમાં કાલાવડના મૂળીલા ગામે પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ છે. ગામલોકો દ્વારા બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ પડતા મૂળીલા ગામની નદીમાં પૂર આવ્યું છે. પૂર આવતા મૂળીલાથી નપાણીયા ખીજડિયાનો પૂલ તૂટી ગયો છે. પૂલ તૂટતા અનેક ગામનો સંપર્ક તૂટી ગયો હતો. ખીજડિયાથી મૂળીલા રસ્તાની વારંવાર રજૂઆત કરતા રસ્તો ન બનતા ગામ લોકોમાં રોષ ફેલાયો છે.

આ પણ વાંચોઃ સવારે 2 કલાકમાં 55 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સંખેડામાં 1.2 ઇંચ

સવારે 2 કલાકમાં 55 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના ત્રણ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 52 તાલુકામાં છેલ્લા બે કલાકમાં 1 ઈંચથી ઓછો વરસાદ થયો છે. છેલ્લા બે કલાકમાં રાજ્યમાં સૌથી વધુ સંખેડા તાલુકામાં વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરના સંખેડા તાલુકામાં સવા 1 ઈંચ વરસાદ નોંધાયો છે. હાલોલ અને કરજણ તાલુકામાં નોંધાયો 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ રાજ્યના અનેક જિલ્લામાં મેઘો મહેરબાન, રાજકોટમાં કલાકમાં 1 ઇંચ વરસાદ

24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો
રાજ્યના છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 11 તાલુકામાં પોણા 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 89 તાલુકામાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના મેંદરડામાં ખાબક્યો છે. ત્યાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામાં ખંભાળિયામાં પોણા 3 ઈંચ, સંખેડા તાલુકામાં અઢી ઈંચ, ડાંગના સુબિર તાલુકામાં અઢી ઈંચ, તાલાલામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.

કચ્છના મુંદ્રામાં અને જૂનાગઢ શહેર તેમજ તાલુકામાં સવા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. વંથલી, કાલાવાડ, બોટાદ, વિસાવદર તાલુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના પાલિતાણામાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. લોધીકા, સાવરકુંડલા, ટંકારા, વાલીઆ, બોડેલીમાં દોઢ ઈંચ વરસાદ છે. માંગરોળ, નેત્રંગ, માળીયા હાટીના તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.