જૂનાગઢમાં મધરાતે ડિમોલિશન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણો હટાવ્યાં

સાગર ઠાકર, જૂનાગઢઃ મહાનગરપાલિકા અને જૂનાગઢ પોલીસ દ્વારા ગત મધરાતથી શહેરમાં ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મનપા અને પોલીસના સંયુક્ત ઓપરેશન ડિમોલિશનમાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને સાથે જ અસામાજિક તત્વો દ્વારા કરાયેલા દબાણો પણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મધરાતથી શહેરના તળાવ રોડ, ગાંધી ચોક, દાતાર રોડ સહિતના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના વખતો વખતના આદેશો તથા સરકારની સૂચનાથી શહેરના મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર તથા નડતરરૂપ ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ પોલીસ દ્વારા સંયુક્ત ટીમો બનાવીને હાથ ધરવામાં આવી હતી. દબાણ દૂર કરવાની સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની તકેદારીના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. દબાણના સ્થળની આસપાસનો વિસ્તાર અવરજવર માટે બંધ કરાયો હતો.
મનપા દ્વારા પોલીસને સાથે રાખીને ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. તેમાં તમામ વહીવટકર્તાઓ તથા સંબંધિત લોકોને દબાણ દૂર કરતા પહેલા પુરાવાઓ રજૂ કરવાની, આધાર અંગે રજૂઆત કરવાની પૂરતી તક આપવામાં આવી હતી. જેમાં સંબંધિત લોકો દ્વારા યોગ્ય માલિકી હક્કના પુરાવા રજૂ ન થતાં મનપા દ્વારા ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, સિનિયર ટાઉન પ્લાનિંગ ઓફિસર, દબાણ અધિકારી સહિતનો સ્ટાફ જોડાયો હતો. જ્યારે જૂનાગઢ પોલીસ વિભાગમાંથી એસપી, ડિવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહીતનો મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોડાયો હતો.
દાતાર રોડ પર સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે 3 ધાર્મિક દબાણ દૂર કર્યા છે. જેમાં બે મંદિર/નાની દેરી અને એક દરગાહનો સમાવેશ થાય છે. જ્યારે નરસિંહ મહેતા સરોવરના કિનારે 1 ધાર્મિક દબાણ દૂર કર્યું છે. રાજકોટ-જૂનાગઢ રોડ (સાબલપુર ચોકડીથી મજેવડી દરવાજા વચ્ચે) 3 ધાર્મિક દબાણ દૂર કર્યા છે. જ્યાં જે ત્રણેય મંદિર/નાની દેરીનો સમાવેશ થાય છે. ગાંધી ચોક નજીક 1 ધાર્મિક દબાણ અને અન્ય રહેણાંક/કોમર્શિયલ 2 દબાણ દૂર કર્યા છે.
દૂર કરવામાં આવેલા ધાર્મિક દબાણ
1. સુફિયા બીબીમા દરગાહ – નરસિંહ મહેતા તળાવની પાસે
2. મોમનામા દરગાહ – સ્વામી વિવેકાનંદ સર્કલ – નીચલા દાતાર
3. નીમવાલે બાપુ હજરત એકઅલીશા દરગાહ – ગાંધી ચોક પાસે
આમ અંદાજે કુલ રૂપિયા 64 લાખની 105 ચોરસમીટર જમીન પરથી દબાણ દૂર કરાયું
ધાર્મિક દબાણો ઉપરાંત રીઢા ગુનેગારો કે અસામાજિક તત્વોએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કર્યો હોય તેવી જમીનો ખાલી કરાવવાની હતી અને તે અંતર્ગત બે સ્થળો પર અસામાજિક તત્વોએ સરકારી જમીન પર કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુજસીટોકના મુખ્ય આરોપી રાજુ સોલંકીની ગેંગ વિરૂદ્ધ કુલ 26 ગુના નોંધાયા છે, તે પૈકી રાજુ સોલંકીનો ભાઈ જયેશ ઉર્ફે જવો ઉર્ફે સાવન સોલંકી વિરૂધ્ધ કુલ 9 ગુના નોંધાયા છે. જયેશ સોલંકી દ્વારા ખાડીયા વિસ્તારમાં સરકારી જમીન પર જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. તે ખાડીયા વિસ્તારનું મકાન અને કમ્પાઉન્ડ વોલ તથા દાતાર રોડ પર આવેલી દુકાન મળીને અંદાજે કુલ 1.80 કરોડ રૂપિયાની કિંમતની 450 ચો.મી. જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું છે.
તાજેતરમાં પોલીસ વિભાગની 100 કલાકની ગુનેગારોની યાદીની ઝુંબેશમાં સામેલ હુસેન ઇસ્માઇલ જાગા વિરૂદ્ધ 3 ગુના નોંધાયા હતા અને જયશ્રી રોડ નજીક ગેરકાયદેસર દબાણ કરીને તેનું ગેરેજ ચાલતું હતું. તે અંદાજે 24 લાખની કિંમતની 35 ચોરસમીટર જગ્યા પરથી દબાણ દૂર કરાયું હતું. આ ઉપરાંત અન્ય 5 દબાણો મળીને 47 લાખની કિંમતની કુલ 95 ચોરસમીટર જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આમ શહેરમાં કુલ મળીને 685 ચો.મી. જગ્યા (કિંમત અંદાજે 3.15 કરોડ રૂપિયા) પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ પોલીસના મધરાતથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનમાં અલગ અલગ સ્થળોએ કુલ 10 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. જૂનાગઢ મનપા દ્વારા દબાણકારોને જાતે દબાણ દૂર કરી દેવા સૂચના અપાઈ છે અને જો કોઈ દબાણકર્તા પોતાનું દબાણ દૂર નહીં કરે તો મનપા આવા દબાણો દૂર કરશે તેવી તાકીદ કરવામાં આવી છે.