આ ગામમાં ગધેડા પર બેસાડીને ફૂલેકું કાઢીને થાય છે ધૂળેટીની ઉજવણી!
સાગર ઠાકર, જૂનાગઢઃ શહેર નજીકના ધંધુસર ગામે ધૂળેટીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ધંધુસર ગામે આઝાદી પહેલાંથી ‘રા’ ઉત્સવ ઉજવવાની અનોખી પરંપરા ચાલી આવે છે. સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુકોને ગધેડા પર બેસાડીને તેનું ફૂલેકું નીકળે છે અને માનતા પૂરી થતાં તેને ‘રા’ના દર્શન કરાવે છે, ગામની મહિલાઓ ફુલેકું નીકળે ત્યારે ‘રા’ને વધાવે છે અને તેને ભેટ આપે છે. ફૂલેકામાં આપવામાં આવેલી તમામ ભેટ ગામના સેવાકાર્યમાં વાપરવામાં આવે છે. વર્ષો જૂની આ પરંપરા આજે પણ ગામલોકોએ જાળવી રાખી છે.
શહેર કરતાં ગામડામાં હોળીનું મહત્વ વધારે હોય છે. ગામડામાં હોળી અને પડવો એટલે કે ધૂળેટીનું વિશેષ મહત્વ હોય છે. દરેક ગામમાં કોઈને કોઈ અલગ અલગ પરંપરા જોવા મળે છે. જેમાં જૂનાગઢ નજીકના ધંધુસર ગામે પણ ધૂળેટીની અલગ જ રીતે ઉજવણી કરવામાં આવે છે. ધૂળેટીના દિવસે ગામ લોકો એકત્રિત થાય છે અને ગામમાં જે લોકો સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક હોય છે તેનું ગધેડા પર બેસાડીને ફૂલેકું કાઢવામાં આવે છે.
કોઈ પિતા પોતાને ત્યાં સંતાન થાય તેના માટે અથવા તો કોઈ પોતાના પુત્રને ત્યાં સંતાન પ્રાપ્તિ માટે ‘રા’ બને છે. આ ‘રા’ ઉત્સવમાં પ્રથમ ‘રા’ને ગેરૂથી રંગવામાં આવે છે, બાદમાં હાથમાં તલવાર લઈને તેને ગધેડા પર બેસાડીને વાજતે ગાજતે તેનું ગામ આખામાં ફુલેકું નીકળે છે. ફુલેકું જ્યારે ગામમાંથી પસાર થાય ત્યારે ગામની મહિલાઓ રાનું પૂજન કરે છે અને તેને નાની મોટી રકમ ભેટ સ્વરૂપે આપે છે. જે રા બને છે તે એક પ્રકારે માનતા માની હોય છે, જેમને માનતા કરવાની હોય તે રા બને છે અને જેમની માનતા પૂરી થઈ હોય તે પણ રા બને છે અને તેનું ફુલેકું નીકળે છે.
આ ફૂલેકામાં રાને જે કાંઈપણ રકમ ભેટમાં મળી હોય છે તે ગામમાં ચાલતા સેવાકાર્યોમાં વપરાય છે. ગૌશાળા માટે અથવા ધાર્મિક કાર્ય માટે આ રકમ વાપરવામાં આવે છે. સવારથી બપોર સુધી આ ફૂલેકું ગામમાં ફરે છે અને બપોરે ગામલોકો સાથે મળીને ભોજન કરીને છૂટા પડે છે અને આ રીતે ધંધુસર ગામમાં ઘુવેટી પર્વ નિમિત્તે રા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.