September 8, 2024

સાસણ ગીરમાં સિંહના રક્ષણ માટે અનોખી મોનિટરિંગ સિસ્ટમ, સાવજને અકસ્માતથી બચાવશે

સાગર ઠાકોર, જૂનાગઢઃ અત્યાધુનિક મોનિટરિંગ સિસ્ટમ દ્વારા ગુજરાતના સાસણ ગીરમાં સિંહ અને વન્ય જીવોનું સંરક્ષણ થઈ રહ્યું છે. ગુજરાત વન વિભાગે જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા ખાસ વ્યવસ્થા કરી છે. આ મોનિટરીંગ સિસ્ટમમાં જ્યારે કોઈપણ પ્રાણીની દેખાય છે. ત્યારે રિયલ ટાઈમમાં ઇલેક્ટ્રોનિક બોર્ડ પર ‘વાઇલ્ડલાઇફ અહેડ’ જેવા સંદેશાઓ દેખાય છે. આ સાથે જ અહીં મહત્તમ ઝડપ મર્યાદા આવશ્યકપણે 30 કિલોમીટર પ્રતિ કલાક છે. જો કોઈ વાહન મર્યાદા કરતાં વધુ ઝડપે આગળ વધે તો વન વિભાગ અને ડ્રાઈવર બંનેને તરત જ એલર્ટ કરવામાં આવે છે.

જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુ આ મામલે જણાવે છે કે, ‘વન્યપ્રાણીઓની સલામતી માટે ગુજરાત વન વિભાગે ગીરમાં એક મોનિટરિંગ સિસ્ટમ ઉભી કરી છે. આ સિસ્ટમ અકસ્માતો અટકાવવા માટે રસ્તા પર સિંહ, દીપડા જેવા પ્રાણીઓની પ્રવૃત્તિઓ અને દેખરેખ રાખશે. અમે અન્ય પ્રાણીઓની ગતિવિધિઓ નોંધવા માટે તેમની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખીએ છીએ.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘વાહનોની ઝડપ માપવા અને ઓળખવા માટે આધુનિક સેન્સર લગાવવામાં આવ્યા છે. ઓછા પ્રકાશમાં અથવા રાત્રે પણ પ્રાણીઓને શોધવા માટે થર્મલ અને ઓપ્ટિકલ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ વાહનોની નંબર પ્લેટને આપમેળે ઓળખે છે. ત્યારબાદ સિસ્ટમમાંથી તમામ ડેટા સાસણ-ગીર ખાતેના સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશનને મોકલવામાં આવે છે. આ ટેક્નોલોજીએ માત્ર જંગલી પ્રાણીઓની જ નહીં પણ માણસોની પણ સુરક્ષામાં સુધારો કર્યો છે. હાલ ડ્રાઇવરોને પ્રાણીઓની હાજરી વિશે જાગૃત કરીને અથડામણનું જોખમ ઓછું તે માટે આગામી સમયમાં વન વિભાગ ગીર અને બૃહદ ગીરમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાનું આયોજન કરી રહ્યું છે.’