ગિરનારની પરિક્રમામાં જવાના છો? તો આ જગ્યાની ચોક્કસ મુલાકાત લેજો
વિવેક ચુડાસમા, જૂનાગઢઃ દેવઉઠી અગિયારસ એટલે કે કારતક સુદ અગિયારસથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવાની છે. કુલ 36 કિલોમીટરની આ પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીથી થાય છે અને ગિરનાર પર્વતનું એક ચક્કર પૂરું કરી ગિરનારની તળેટીમાં જ પૂર્ણ થાય છે. આ પરિક્રમા દરમિયાન મુખ્ય ત્રણ પડાવ આવે છે – ઝીણાબાવાની મઢી, સરખડિયા હનુમાન અને બોરદેવી.
આ ઉપરાંત પરિક્રમા દરમિયાન અનેક જગ્યાઓ છે જે ખરેખર જોવાલાયક છે અને દરેક જગ્યાનું એક આગવું મહત્ત્વ છે. આવો તેના વિશે વાત કરીએ…
મહાકાળી વડલો
ભવનાથ તળેટીથી રૂપાયતન થઈને ગિરનારની પરિક્રમા શરૂ થાય છે. ત્યારબાદ પહેલા મહાકાળી વડલો આવે છે. અહીં વડ નીચે મહાકાળી માતાજીની સિંદૂરી મૂર્તિ છે. ભક્તો અહીં માતાજીને નતમસ્તક થઈને માતાજીને રખોપા કરવાની પ્રાર્થના કરે છે.
ઝીણા બાવાની મઢી
ત્યાંથી થોડા જ અંતરે આવી જાય છે પહેલો પડાવ એટલે કે ઝીણા બાવાની મઢી. આ જગ્યાએ અનેક ભંડારા-અન્નક્ષેત્રોનું આયોજન કરવામાં આવ્યું હોય છે. ગિરનારની પરિક્રમા કરવા આવેલા પરિક્રમાર્થીઓ માટે અહીં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સિવાય મોટાભાગના પરિક્રમાર્થીઓ આ જગ્યાએ પહેલો રાતવાસો કરે છે.
સરકડિયા હનુમાનજી મંદિર
ત્યારપછી આગળ વધીએ એટલે આવે છે સરકડિયા હનુમાનજીનું મંદિર. અતિપૌરાણિક મંદિર જંગલમધ્યે આવેલું છે. આ પરિક્રમાનો બીજી પડાવ છે. આ જગ્યાએ પરિક્રમાર્થીઓ બીજા દિવસનો રાતવાસો કરે છે. આ જગ્યાએ પણ પરિક્રમાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અનેક ભંડારા-અન્નક્ષેત્રો પરિક્રમાર્થીઓને ભાવથી ભોજન કરાવે છે.
સૂરજકુંડ
સરખડિયા હનુમાનજીના મંદિરથી અંદાજે બે કિલોમીટરના અંતરે સૂરજકુંડ આવેલો છે. અહીં દક્ષિણેશ્વર કાલી માતાજીનું મંદિર છે. આ સાથે ગુરુ દત્તાત્રેયનો પ્રાચીન ધૂણો પણ આવેલો છે. આ ઉપરાંત સૂરજકુંડ નામનો એક કુંડ પણ આ જગ્યાએ આવેલો છે. તેના પરથી જ આ જગ્યાને સૂરજકુંડ તરીકે ઓળખવામાં આવે છે. પરિક્રમાર્થીઓ અહીં સ્નાન કરે છે.
માળવેલા
ત્યાંથી આગળ વધીએ એટલે આવે છે માળવેલાની જગ્યા. માળવેલા ઘનઘોર ઘટાદાર જંગલમાં આવેલું છે. જેની ચારેબાજુ પર્વત છે અને લીલી વનરાજી છે. અહીં આવેલું છે મહાકાળી માતાજીનું મંદિર. ભક્તોને આ જગ્યાએ સ્પેશિયલ શીરાનો પ્રસાદ આપવામાં આવે છે.
બોરદેવી
ત્યારપછી શરૂ થાય છે નળપાણીની ઘોડી. આ ત્રીજી ઘોડી પર ક્યાંય પાણી મળતું નથી. તેથી તેને નળપાણીની ઘોડી કહેવામાં આવે છે. આ ઘોડી ઉતરો એટલે સીધો ત્રીજો પડાવ આવી જાય છે બોરદેવી. આ જગ્યાએ પરિક્રમાર્થીઓ ત્રીજા દિવસનો રાતવાસો કરે છે. અહીં પણ પરિક્રમાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા માટે ભંડારા અને અન્નક્ષેત્રો કરવામાં આવતા હોય છે.
ખોડિયાર ઘુનો
આ જગ્યાએથી જંગલ વિસ્તારમાં ત્રણેક કિલોમીટર દૂર આવેલો છે ખોડિયાર ઘુનો. આ જગ્યા એટલી રમણીય છે કે, જોતા જ તમને અહીં વસી જવાનું મન થાય. પાણીથી ભરેલા ધરાની બાજુમાં ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું છે. અહીં આવતા લોકોને માતાજી પર ઘણી શ્રદ્ધા છે. મોટાભાગના લોકો આ જગ્યાએ આવતા નથી. કારણ કે, આ જગ્યા જંગલ વચ્ચે આવેલી છે અને બોરદેવીથી થોડા આડા રસ્તે આવે છે. અહીં એક ખૂબ જ સુંદર ઝરણું પણ આવેલું છે. પરિક્રમાર્થીઓ અહીં ન્હાવાનો આનંદ માણે છે.