July 4, 2024

ગિરનાર રોપવે મેઇન્ટેનેન્સને કારણે 10 દિવસ રહેશે બંધ, જાણો તમામ માહિતી

જૂનાગઢઃ ગુજરાતના સૌથી મોટા રોપવે ગણાતા ગિરનારનો રોપવે મેઇન્ટેનેન્સને કારણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 10 દિવસ સુધી ગિરનારનો રોપવે બંધ રાખવામાં આવશે. આગામી 11થી 20 જૂન સુધી 10 દિવસ સુધી ગિરનાર પર્વત પરની રોપવે સેવા બંધ રાખવામાં આવશે. મેઇન્ટેનેન્સની કામગીરીને કારણે 11થી 20 જૂન સુધી રોપવે બંધ રાખવામાં આવશે. તે પહેલાં 10 જૂન સુધી રાબેતા મુજબ રોપવે સેવા ચાલુ રહેશે. ત્યારબાદ મેઇન્ટેનેન્સની કામગીરી પત્યા બાદ 21મી જૂનથી ફરી રાબેતા મુજબ રોપવે કાર્યરત થશે.

5 દિવસ સુધી વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, સમગ્ર રાજ્યમાં 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટી થશે અને તેના કારણે ઝડપી પવન ફૂંકાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા

હવામાન વિભાગે જણાવ્યુ છે કે, 8મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી છે. આ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.

વધુ જણાવતા તેઓ કહે છે કે, 9મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. ત્યારબાદ 10મી જૂને ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.