November 13, 2024

ગિરનારની તળેટીમાં આવેલી આ જગ્યા તમે નથી જોઈ તો તમારી સફર અધૂરી, જાણો તમામ માહિતી

વિવેક ચુડાસમા, જૂનાગઢઃ ભક્તિ, ભોજન અને ભજનનો અનોખો સમન્વય એટલે જૂનાગઢમાં (Junagadh) આવેલી ‘ભવનાથ તળેટી’. ગિરનારની પરિક્રમા (Girnar Lili Parikrama) શરૂ થવાની છે, ત્યારે લાખો લોકો અહીં આવતા હોય છે. ચાલો જાણીએ આ ભવનાથ તળેટીમાં કઈ-કઈ એવી જગ્યાઓ છે જેની મુલાકાત લીધા વગર તમારી સફર અધૂરી ગણાય!

ભવનાથ તળેટીમાં મોટેભાગે પૌરાણિક મંદિરો આવેલા છે. આ ઉપરાંત જૈન દેરાસરો અને દરગાહ પણ આવેલી છે. આમ, ભવનાથ તળેટી ત્રણ ધર્મોનું સંગમસ્થાન છે તેવું કહી શકાય. આપણે ઘણીવખત ભવનાથ તળેટી ગયા હોઇશું પણ અમુક જગ્યાઓ વિશે આપણે જાણતા જ નથી. ત્યારે આવો આ આર્ટિકલમાં તમને લઈ જઈશું એવી જગ્યાઓએ જે હજુ તમારી નજરોથી અલિપ્ત રહી ગઈ છે.

શરૂઆત કરીશું ભવનાથ તળેટીના મુખ્ય મંદિર એવા ભવનાથ મહાદેવના શિવાલય સાથે…

ભવનાથ મહાદેવનું મંદિર
ભવનાથ તળેટીનું મુખ્ય આકર્ષણ ભવનાથ મહાદેવનું મંદિર છે. આ મંદિરમાં સ્વયંભૂ ‘ભવનાથ મહાદેવ’નું શિવલિંગ છે. આ ઉપરાંત અન્ય એક શિવલિંગ ચિરંજીવી અશ્વત્થામા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે તેવી માન્યતા છે. પૌરાણિક સમયમાં આ શિવાલય ‘ભવેશ્વર’ના નામે ઓળખાતું હતું. ભવનાથ મહાદેવનો ઉલ્લેખ ‘સ્કંદપુરાણ’માં પણ જોવા મળે છે. આ ઉપરાંત મંદિરમાં અનેક દેવી-દેવતાઓના નાના-નાના મંદિર છે અને મૃગીકુંડ પણ આવેલો છે. મહાશિવરાત્રિના તહેવારમાં અહીં તળેટીમાં પાંચ દિવસનો મેળો ભરાય છે. જેમાં સમગ્ર દેશમાંથી સાધુઓ, દિગંબર સાધુઓ સહિત સાધ્વીઓ અને બાવાઓ ભાગ લે છે. આ ઉપરાંત દેશ-વિદેશના લોકો અહીં આવી આ મેળો માણે છે.

મૃગીકુંડ
‘મૃગીકુંડ’ ભવનાથ મહાદેવ મંદિરમાં આવેલો છે. એક દંતકથા અનુસાર આ કુંડ રાજા ભોજે બનાવ્યો હતો. રાજા ભોજની એક પટરાણી હરણ જેવા મુખવાળી હતી. જેને શ્રાપમાંથી મુક્ત કરાવવા માટે આ કુંડ બનાવવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે, મૃગીકુંડમાં સ્નાન કરવાથી મનુષ્ય મૃત્યુ પામે ત્યારે તેની આત્માને મોક્ષ મળે છે અને તે ભવભવના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આ જ કારણોસર મહાશિવરાત્રિની રાતે રવેળીની પૂર્ણાહુતિ મૃગીકુંડમાં શાહીસ્નાન સાથે કરવામાં આવે છે. જેમાં તમામ સાધુઓ, સાધ્વીઓ, દિગંબર સાધુઓ સહિતના મહાત્માઓ સ્નાન કરે છે અને પછી જંગલમાં જતા રહે છે. આ ઉપરાંત એવી પણ એક માન્યતા છે કે, શાહીસ્નાનમાં સદ્ગુરુ દત્તાત્રેય, શંકર ભગવાન, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન પણ મનુષ્ય અવતાર લઈને સ્નાન કરે છે.

વસ્ત્રાપથેશ્વર મહાદેવનું મંદિર
વસ્ત્રાપથેશ્વર મહાદેવનું મંદિર ભવનાથ તળેટીમાં આવેલું છે. ભવનાથ મહાદેવના મંદિરની સામે જ વસ્ત્રાપથેશ્વર મહાદેવ બિરાજમાન છે. ‘સ્કંદપુરાણ’ પ્રમાણે એકવાર મહાદેવ પત્ની પાર્વતીથી રિસાઈ જાય છે અને અહીં ભવનાથમાં આવે છે. અહીં આવીને મહાદેવ અદૃશ્ય થઈ જાય છે અને તેમના કપડાં અહીં પડી જાય છે. પછી માતા પાર્વતી સહિત તમામ દેવો મહાદેવને શોધતા-શોધતા ભવનાથ તળેટીમાં આવે છે. બહુ પ્રયત્નો છતાં મહાદેવ મળતા નથી. ત્યારે માતા પાર્વતી મહાદેવની સ્તુતિ કરે છે અને ભોળાનાથ તેમના ભોળા સ્વભાવ પ્રમાણે પ્રગટ થાય છે. આમ, મહાદેવ પોતાના વસ્ત્રો જે જગ્યા પર ઊતારીને મૂકે છે. ત્યાં જગ્યા ‘વસ્ત્રાપથેશ્વર મહાદેવ’ તરીકે ઓળખવામાં આવે છે. ‘વસ્ત્રાપથેશ્વર મહાદેવ’ આ ક્ષેત્રના અધિપતિ ગણાય છે.

દામોદર કુંડ
‘સોરઠ દેશ ન સંચર્યો, ચડ્યો ન ગઢ ગિરનાર,
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર’

આ દુહા પરથી જ તમે દામોદર કુંડની મહત્તા સમજી જશો. સ્કંદપુરાણમાં પણ દામોદર કુંડનો ઉલ્લેખ જોવા મળે છે. ભવનાથ તળેટીમાં રાધાદામોદરજીનું પ્રખ્યાત મંદિર આવ્યું છે. ત્યાં જ આ દામોદર કુંડ પણ આવેલો છે. આ કુંડમાં સુવર્ણરેખા અથવા સોનરેખ નદીનું પાણી આવે છે. ભક્ત કવિ નરસિંહ મહેતા દરરોજ અહીં આવીને સ્નાન કરતા અને ત્યારબાદ રાધાદામોદરજીની ભક્તિ પણ કરતા હતા. રા’માંડલિકે જ્યારે નરસિંહ મહેતાની કસોટી કરી ત્યારે દામોદરરાયજીએ આ જગ્યાએ જ નરસિંહ મહેતાને હાથોહાથ હાર આપ્યો હતો તેવી માન્યતા છે. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે, અહીં અસ્થિ વિસર્જન કરવામાં આવે તો મરણ પામનાર વ્યક્તિને વૈકુંઠ પ્રાપ્ત થાય છે. અહીં અસ્થિ વિસર્જન કરતા તે અસ્થિઓ ઓગળીને પાણીમાં ભળી જાય છે. તેથી શાસ્ત્રકારો આ કુંડને ‘વિલિયક’ તરીકે ઓળખે છે.

મુચકુંદ ગુફા
રાધાદામોદરજીના મંદિરની બાજુમાં જ મુચકુંદ ગુફા આવેલી છે. એવું કહેવાય છે કે, મુચકુંદ ગુફામાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા. સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે કે, કોઈપણ યાત્રા મુચકુંદેશ્વર મહાદેવની આજ્ઞા લઇને જ કરવી જોઈએ તો જ તેનું ફળ મળે છે. આ લિંગની પૂજા કરવાથી સર્વપાપોમાંથી મુક્તિ મળે છે.

કાશ્મીરી બાપુનો આશ્રમ
લંબે હનુમાનજીના મંદિરની સામે તરફ જતો રસ્તો સીધો કાશ્મીરી બાપુના આશ્રમે લઈ જાય છે. કાશ્મીરી બાપુના આશ્રમે ભગવાન શિવ ‘દાતારેશ્વર’ના નામે બિરાજમાન થયા છે. કાશ્મીરી બાપુને દાતારના મહંત સાથે ખૂબ જ લગાવ હતો. જેને લઈને તેમણે શિવાલયનું નામ ‘દાતારેશ્વર મહાદેવ’ રાખ્યું હતું. આ ઉપરાંત કાશ્મીરી બાપુના આશ્રમે ગમે ત્યારે જાવ ત્યારે ચા અને ભોજનની વ્યવસ્થા હોય જ છે. ત્યાંથી ભોજન વગર ભક્તને જવા દેવામાં આવતા નથી. કાશ્મીરી બાપુના આશ્રમે જતો રસ્તો ચારેબાજુ વનરાજીથી ઘેરાયેલો છે. અહીંથી પસાર થતી વખતે માણસ પ્રકૃતિમય બની જતો હોય છે.

બાવનહાથ પીરની દરગાહ
ત્રિલોકનાથ બાપુના આશ્રમની સામેથી એક રસ્તો જંગલમાં જાય છે. તે રસ્તે આગળ જતા સોનરેખ નદી ઓળંગીને થોડે આગળ બાવનહાથ પીરની દરગાહ આવે છે. આ દરગાહની મજાર 52 હાથ જેટલી લાંબી છે. તેથી આ જગ્યાને ‘બાવનહાથ પીર’ તરીકે ઓળખાય છે. ચારે તરફ ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલા જંગલની મધ્યમાં આ જગ્યા આવેલી છે.

જટાશંકર મહાદેવ
આમ તો, જટાશંકર મહાદેવ ગિરનાર પર જંગલમાં આવેલી જગ્યા છે. પરંતુ તળેટીથી પણ ખૂબ જ સરળતાથી જટાશંકર મહાદેવની જગ્યાએ પહોંચી શકાય છે. વેલનાથ બાપુના આશ્રમે જવાના રસ્તે જતા ગિરનારની જૂની સીડીવાળો તરફ જવાય છે. અહીંથી 500 જેટલી સીડીઓ ચઢતા જટાશંકર મહાદેવ તરફ જવાની એક કેડી પડે છે. ત્યાં રસ્તા પર તીરના નિશાન કર્યા છે. તેને અનુસરીને આગળ વધીએ ત્યારે ઘટાદાર વૃક્ષોના જંગલમાં બિરાજતા મહાદેવનું મંદિર નજરે ચડે છે. આ શિવાલય એટલે ‘જટાશંકર મહાદેવ’. જૂનાગઢવાસીઓ માટે આ સ્થળ ‘પિકનિક સ્પોટ’ છે.

રાજરાજેશ્વરી પીઠ
જટાશંકર મહાદેવના મંદિરની બાજુમાંથી દસ સીડી ઉપર ચઢતા રાજરાજેશ્વરી પીઠ આવે છે. જેમાં નવ માતાજી બિરાજમાન છે. તંત્ર-મંત્રની આરાધ્ય દેવીઓનું આ સ્થાનક છે. બગલામુખી, માતંગી, કાલી, તારા, છિન્નમસ્તા, ધૂમાવતી, ત્રિપુરભૈરવી, ષૌડષી, ભુવનેશ્વરી અને કમલા માતા બિરાજમાન છે.

વાઘેશ્વરી મંદિર
ભવનાથ તળેટીમાં વાઘેશ્વરી માતાનું મંદિર પણ આવેલું છે. અહીં ઉપલા વાઘેશ્વરી અને નીચલા વાઘેશ્વરી બે અલગ અલગ મંદિરો આવેલા છે. નીચલા વાઘેશ્વરી માતાનું મંદિર તળેટીમાં નીચે જ છે. જ્યારે ઉપલા વાઘેશ્વરી માતાના મંદિરે જવા 180 સીડીઓ ચઢવી પડે છે. લોકવાયકા અનુસાર આ મંદિર 100 વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક છે.

મૌની બાપુનો આશ્રમ
ઉપલા વાઘેશ્વરી માતાના મંદિરથી સ્હેજ ઉપર તરફ જતા મૌની બાપુનો આશ્રમ આવેલો છે. જ્યાં હનુમાનજીનું સુંદર મંદિર છે. અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત, આહ્લાદક અને નયનરમ્ય છે. અહીં ઘણીવાર યાત્રિકો ઉતારો પણ કરતા હોય છે. અહીં રહેવા-જમવાની પણ વ્યવસ્થા છે. નાનકડા ડુંગરની ટોચને અડીને જંગલમાં આ જગ્યા આવેલી છે. અહીં અદ્ભુત વાતાવરણનો અનુભવ કરી શકાય છે.

બોરદેવી માતાજીનું મંદિર
ભવનાથ તળેટીમાં ગિરનારના પગથિયા પાસે જમણાં હાથ તરફ બોરદેવી જવાનો રસ્તો આવે છે. આશરે 12 કિલોમીટર જેટલું જંગલમાં ચાલીને બોરદેવી પહોંચી શકાય છે. ગિરનારની લીલી પરિક્રમાનો છેલ્લો પડાવ એટલે ‘બોરદેવી’. આ જગ્યાએ બોરડીના ઝાડમાં માતાજી બેઠાં હતા જે ‘બોરદેવી’ તરીકે ઓળખાયા. આ ઉપરાંત તેવી પણ એક લોકવાયકા છે કે અંબાજી માતા અહીં બોરડીમાંથી પ્રગટ્યા હોવાથી ‘બોરદેવી’ તરીકે ઓળખાયા હતા. બોરદેવી ખૂબ જ સુંદર સ્થળ અને વૃક્ષઆચ્છાદિત વિસ્તાર છે. પ્રકૃતિથી ચારેબાજુ ઘેરાયેલી આ જગ્યાનું વાતાવરણ ખૂબ જ શાંત અને પોઝિટિવ છે. અહીં મંદિર નજીક હેમજળી અને ગુડાજળી નામના બે ઝરણાં વહે છે જે આ સ્થાનકની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.

આ ઉપરાંત તળેટીમાં લાલઢોરી, રૂદ્રેશ્વર જાગીર આશ્રમ, નારાયણ ધરો, રામદેવ પીરનું પૌરાણિક મંદિર, શિવગુફા સહિતની અનેક જગ્યાઓ આવેલી છે.