જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ, ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરાયું

મહાશિવરાત્રી મેળો: જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. આજરોજ ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. અખાડા પરિષદના સંરક્ષક અને ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરીગીરીજી ઉપસ્થિત રહ્યાં હતા. આ સાથે ઈન્દ્રભારતી બાપુ, મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી બાપુ, અગ્નિ અખાડાના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ સહીતના સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા કલેક્ટર, ઈન્ચાર્જ એસપી સહિતના અધિકારીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભવનાથ મહાદેવ મંદિરની ધ્વજાનું વિધિવત પૂજન કરીને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ખાતે મહા વદ નોમના દિવસે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થાય છે. ચતુર્દશીએ મહાશિવરાત્રિ પર્વે નાગાસાધુઓની રવાડી બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન અને મહાઆરતી સાથે મહાશિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ થશે.