જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ, 1400 રૂપિયા પ્રતિ બોક્સ
સાગર ઠાકર, જૂનાગઢઃ શહેરના માર્કેટીંગ સબ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. આમ તો યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી એક-બે બોક્સની આવક થતી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી સરેરાશ 50 બોક્સની આવક થઈ રહી છે અને 1400થી 1800 રૂપિયા પ્રતિ બોક્સનો ભાવ રહે છે. હાલ આવક ઓછી છે એટલે ભાવ ઉંચા છે પરંતુ જેમ જેમ આવકમાં વધારો થશે તેમ ભાવ પણ નીચા જશે.
ગત વર્ષની સરખામણીએ કેરીનું આગમન એક અઠવાડિયું મોડું થયું છે. ચાલુ વર્ષે વાતાવરણની અનિયમિતતાની કેરીના પાક પર અસર જોવા મળી છે અને આ અસરના કારણે આંબા પર ફ્લાવરીંગ મોડું થયું હતું. જેથી ઉત્પાદન પણ મોડું થશે. એટલે બજારમાં કેરીની નિયમિતા થતાં હજુ વાર લાગશે.
આ પણ વાંચોઃ અમરેલી ભાજપમાં ઉકળતો ચરુ, ઉમેદવાર બદલવાની માગ સાથે મારામારી!
યાર્ડમાં કેસર કેરીની સાથે લાલબાગ કેરીની આવક પણ થાય છે. જેના 100થી 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવ રહે છે. તો ચાલુ વર્ષે નિકાસ બંધ હોવાને કારણે હાફુસ કેરીની આવકમાં વધારો થયો છે અને ગત વર્ષની સરખામણીએ ભાવ પણ નીચા ગયા છે. હાલ જૂનાગઢની બજારમાં હાફુસ કેરી 150થી 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. આમ કેરીના રસિકો હાફુસનો સ્વાદ પણ માણી રહ્યા છે.