December 23, 2024

જુનાગઢનો પહેલો બહુચર્ચિત ફ્લાયઓવર બનતા પહેલા જ આવ્યો વિવાદમાં, શું છે વિવાદનું કારણ?

સાગર ઠાકર, જુનાગઢ: જૂનાગઢ શહેરની ટ્રાફિક સમસ્યા હલ થાય તે માટે જૂનાગઢ મનપા દ્વારા શહેરના સૌપ્રથમ ફલાયઓવર બ્રીજ માટે ચાર વર્ષ અગાઉ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. તે સમયે અંદાજે 110 કરોડના ખર્ચે H આકારનો ફ્લાઈ ઓવર બ્રીજ બનાવવા માટેનો પ્લાન હતો. ફલાયઓવર બ્રિજના પ્રોજેક્ટ માટે જરૂરી નકશા અને મંજૂરીની પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો સહીતની વહીવટી કામગીરી મનપાએ પૂર્ણ કરી લીધી હતી અને શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ થશે તેવી લોકોને આશા જાગી હતી. પરંતુ બે વર્ષ બાદ તેની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો અને અંદાજે 59 કરોડના ખર્ચે S આકારનો બ્રીજ બનાવવાનો નિર્ણય થતાં હવે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને ફરી ફલાયઓવર બ્રીજ બન્યા પહેલાં જ વિવાદમાં આવ્યો છે.

વધતાં જતાં શહેરીકરણથી જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે અને શહેરનો ટ્રાફિક લોકો માટે માથાના દુઃખાવા સમાન બની ગયો છે ત્યારે ચાર વર્ષ અગાઉ જૂનાગઢની જનતા માટે રાહતના સમાચાર મળ્યા હતા કારણ કે જૂનાગઢમાં શહેરનો પ્રથમ ફલાયઓવર બ્રિજ બનવા જવાનો હતો, શહેરના સરદાર પટેલ દરવાજા થી શરૂ કરીને ગાંધી ચોક, બસ સ્ટેન્ડ, જોષીપરા ફાટક, ગિરિરાજ સોસાયટી ફાટક સહીતના વિસ્તાારને આાવરી લેતો અંદાજે 2 કી.મી. ની લંબાઈ ધરાવતો આ ફલાયઓવર બ્રિજ અંદાજે 110 કરોડના ખર્ચે તૈયાર થવાનો હતો.

જે તે સમયે અધિકારીઓ દ્વારા વહીવટી પ્રક્રિયા અને પદાધિકારીઓ દ્વારા રાજકીય રજૂઆતો કરીને આ પ્રોજેક્ટ મંજૂર થયો હતો, સ્થાનિક વહીવટી તંત્ર, રેલ્વે તંત્ર, રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ તમામ કક્ષાએ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી અને તે વખતે રાજ્ય સરકારે પણ આ પ્રોજેક્ટ માટે પુરતી ગ્રાન્ટની જોગવાઈ કરી હતી પરંતુ કોઈને કોઈ કારણોસર પ્રોજેક્ટનું હજુ ખાતમુહુર્ત પણ થઈ શક્યું નથી, બે વર્ષ અગાઉ મનપાની સ્થાયી સમિતિમાં ફલાયઓવર બ્રીજની ડિઝાઈનમાં ફેરફાર કરવા ઠરાવ કરવામાં આવ્યો અને હવે અંદાજે 59 કરોડમાં એસ આકારનો એટલે કે જોષીપરા થી રેલ્વે સ્ટેશન રોડ પર થઈને ગાંધી ચોક સુધીનો ફલાયઓવર બ્રીજ હવે બનવાનો છે.

મનપાના આ નિર્ણયથી સ્ટેશન રોડ પરના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં નારાજગી પ્રવર્તી છે, લોકોને ફલાયઓવર બ્રીજનો વિરોધ નથી પરંતુ મનપાએ જે રીતે બ્રીજની ડિઝાઈનમાં ફેરફાર કર્યો છે તેની સામે વિરોધ વ્યક્ત કર્યો છે અને વેપારીઓએ આ અંગે જીલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો અને જૂની ડિઝાઈન મુજબ ફલાયઓવર બ્રીજ બનાવવા માંગ કરી હતી.

આ ફલાયઓવર બ્રિજ બની જવાથી જૂનાગઢની જનતાને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળ તેમ છે, હાલ શહેરના બસ સ્ટેન્ડ રોડ, ગાંધી ચોક વગેરે વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહીમામ છે, આ વિસ્તારો શહેરના એવા વિસ્તારો છે કે રોજ બરોજના કામ માટે ઘરની બહાર નીકળતાં માણસો એકવાર તો આ રસ્તા પરથી પસાર થાય જ છે, વળી બસ સ્ટેન્ડને લઈને બસોની અવરજવર અને શહેરમાંથી બહાર નીકળવાનો પણ આ જ માર્ગ હોય, આ વિસ્તારમાં ભારે ટ્રાફિક થાય છે અને લોકોને હાલાકી ભોગવવી પડે છે ત્યારે આ ફલાયઓવર બ્રિજ જો બની જાય તો બસ સ્ટેન્ડ અને ગાંધી ચોક વિસ્તારમાંથી હાલ જેમને ના છુટકે પસાર થવું પડે છે તેઓ ફલાયઓવર બ્રિજ થી પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે તેમ છે, જૂનાગઢની જનતા સાથે બહારથી આવનારા લોકો માટે પણ આ ફલાયઓવર બ્રિજ ઉપયોગી થાય તેમ છે.

હવે જ્યારે ફલાયઓવર બ્રીજને લઈને વિવાદ થયો છે ત્યારે મનપા તંત્ર જાગ્યું છે અને આગામી 10 દિવસમાં ફલાયઓવર બ્રીજનું કામ શરૂ થઈ જશે તેવો દાવો કરી રહ્યું છે, ફલાયઓવર બ્રીજના કામનું ટેન્ડર થઈ ગયું છે અને વર્ક ઓર્ડરની પ્રક્રિયા ચાલુ છે અને ટુંક સમયમાં મનપા સંભવતઃ મુખ્યમંત્રીના હસ્તે ફલાયઓવર બ્રીજનું ખાતમુર્હુત કરાવી શકે છે, મનપાના મતે જૂની ડિઝાઈનમાં અનેક અડચણો હતી અને લોકોની રજૂઆતો પણ હતી તેથી ડિઝાઈનમાં ફેરફાર કરવો મનપા માટે જરૂરી બન્યો હતો, પરંતુ હાલ તો લોકોમાં ફલાયઓવર બ્રિજને લઈને નારાજગી જોવા મળી રહી છે.