ખેડા લોકસભા બેઠક પરથી કોંગ્રેસે કાળુસિંહ ડાભીનું નામ જાહેર કર્યું
યોગીન દરજી, નડિયાદઃ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે હવે તમામ પક્ષો પ્રચારમાં જોતરાઈ ગયા છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ ખેડા લોકસભા વિસ્તારના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. કોંગ્રેસે ખેડા બેઠકથી કાળુસિંહ ડાભીનું નામ જાહેર કર્યું છે.
ત્યારે ન્યૂઝ કેપિટલે કાળુસિંહ ડાભી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ‘આ વર્ષે રસાકસીભર્યો માહોલ જોવા મળશે. ખેડા લોકસભા વિસ્તારની તમામ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના કાર્યકરોનો અને લોકોનો સપોર્ટ મને મળશે અને હું જીતીશ.’ ઉલ્લેખનીય છે કે, ખેડા લોકસભા બેઠક પર ક્ષત્રિય vs ક્ષત્રિયનો જંગ જામ્યો છે. ત્યારે માહોલમાં ગરમાવો રહેશે.
આ પહેલાં કોગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા
કોંગ્રેસે બીજી યાદીમાં ગુજરાતની 7 સીટ પર લોકસભા ઉમેદવારોની જાહેરાત કરી હતી. કોંગ્રેસે 43 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર કરી હતી. દિલ્હીથી કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો પોરબંદરથી લલિત વસોયાનું નામ સામે આવ્યું છે. આ સિવાય બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડથી અનંત પટેલનું નામ જાહેર કર્યું છે. અમદાવાદ પશ્ચિમમાંથી ભરત મકવાણાનું નામ સામે આવ્યું છે. આ સિવાય અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાનું નામ જાહેર કરાયું છે. તો કચ્છથી નીતિશભાઇ લાલણનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પંચમહાલ સીટ પરથી ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર કરવામાં આવ્યું છે.