November 23, 2024

ખેડા લોકસભા બેઠકનો ઇતિહાસ, 60 ટકાથી વધુ વસતિ આજે પણ ખેતી પર નિર્ભર

Kheda lok sabha constituency more than 60 per cent people depend on farming

યોગીન દરજી, નડિયાદઃ લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ 400થી વધુ બેઠકો જીતવાનો નિર્ધાર કર્યો છે. ત્યારે સરદાર પટેલની તપોભૂમિ, સરદાર પટેલનું જન્મસ્થળ, રવિશંકર મહારાજ અને ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાક્ષરોની નગરી તરીકે ઓળખાતી ખેડા લોકસભામાં બીજેપીને જીતની હેટ્રીક મેળવવી પડશે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ખેડા બેઠક પર બીજેપીએ કોંગ્રેસના સૂંપડા સાફ કરી નાંખ્યા છે. તો વળી, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ખેડા જિલ્લાની તમામ બેઠકો જીતી કોંગ્રેસને વાઈટ વોશ કરી નાંખ્યો છે.

ખેડા લોકસભા એક એવી બેઠક છે જેણે ઈતિહાસમાં નામ અંકિત કર્યુ છે. આઝાદીની લડતમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર પટલનો જન્મ નડિયાદમાં થયો હતો. મહાગુજરાતની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર ઇન્દુલાલ યાજ્ઞિકની પણ આ ભૂમી છે. આ એ જ લોકસભા બેઠક છે, જ્યાંથી દાંડી માર્ગનો સૌથી મોટો રૂટ આવેલો છે. મહાત્મા ગાંધી એ તે સમયે માતર અને નડિયાદમાં રાત્રી રોકાણ કર્યું હતું. રાજ્યમાં શાક્ષરોની નગરીની વાત થાય ત્યારે ખેડા બેઠકના હેડ ક્વાર્ટર નડિયાદનું નામ અગ્રીમ હરોળમાં હોય છે. આ એ જ લોકસભા બેઠક છે, જ્યાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં યુવાનો વિદેશ અભ્યાસ અને વ્યવસાય અર્થે જાય છે, જેના કારણે આ ભૂમિને એનઆરઆઈ ભૂમિ તરીકે પણ ઓળખ મેળવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતના પહેલા મહિલા સાંસદ કોણ? 4 ટર્મ લોકસભામાં ‘ને એક ટર્મ રાજ્યસભામાં હતા

મોટા પ્રોજેક્ટની વાત કરીએ તો, કેન્દ્ર સરકાર દ્વારા નિર્માણ પામી રહેલી બુલેટ ટ્રેનનું અમદાવાદ બાદ પ્રથમ સ્ટોપેજ નડિયાદ આવે છે. આ ઉપરાંત રૂ. 500 કરોડના ખર્ચે નડિયાદ રેલવે સ્ટેશનને સરદાર પટેલના જન્મ સ્થળની થીમ પર નિર્માણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં છૂટાછવાયાં ઉદ્યોગોને બાદ કરતાં એવા કોઈ મોટા પ્રોજેક્ટ નથી કે જેનાથી મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળે. જેના કારણે 60 ટકાથી વધુ વસ્તી આજે પણ ખેતી પર નિર્ભર છે.

ફરવા લાયક સ્થળોની વાત કરીએ તો, આ જિલ્લામાં ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે. તેમાં નડિયાદનું સંતરામ મંદિર, ડાકોરનું રણછોડરાય મંદિર, વડતાલનું સ્વામિનારાયણ મંદિર, ગળતેશ્વર મહાદેવનું મંદિર. આ ઉપરાંત તાજેતરમાં નડિયાદમાં નિર્માણ પામેલું બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર ભક્તો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

આ બેઠકની ઓળખ વિશે વાત કરીએ તો રાજકીય દ્રષ્ટીએ સરદાર પટેલનું જન્મ સ્થળ અને ધાર્મિક દ્રષ્ટીએ સંતરામ મંદિર તેની મુખ્ય ઓળખ છે. ખેડા લોકસભા બેઠક પર રોજગારીનો પ્રશ્ન પણ ‘પ્રાણપ્રશ્ન’ રહ્યો છે. મોટી ઇન્ડસ્ટ્રીના અભાવે એક મોટા સમુદાયને રોજગારી પૂરી પાડી શકે તેવાં કોઈ પ્રોજેક્ટ હાલમાં નથી. પરંતુ પિયતની સારી સગવડ અને પૂરતા પાણીને કારણે મધ્ય ગુજરાતની સૌથી સારી ખેતી આ વિસ્તારમાં થાય છે. આ જિલ્લાની 82.65 ટકા વસતિ શિક્ષિત છે.