ખેડાના પુનાજ ગામે 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, બે આરોપીની ધરપકડ

ખેડાઃ જિલ્લાના પુનાજ ગામે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે પોલીસ ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, બકરી ચરાવવા ગયેલી 14 વર્ષીય સગીરા પર બે યુવકોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મના કેટલાક સમયમાં સગીરા ગર્ભવતી બની હોવાનો ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આરોપી યુવકોનાં કાકાએ પીડિતાને ડરાવી-ધમકાવીને ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું.
પીડિતાના પરિવારને આ મામલો દબાવવા માટે આરોપીઓ દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે પીડિતાના પરિવારે લીંબાસી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ તથા બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદને આધારે પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા.