March 17, 2025

મહીસાગર નદીમાંથી મૃતદેહ મળ્યો, હત્યા કરી બ્રિજ પરથી મૃતકને નીચે ફેંક્યો

ખેડાઃ ઠાસરાના રાણીયા મહીસાગર નદીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. ખેડા અને વડોદરાના સાવલીને જોડતા બ્રિજ નીચેથી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતકને ઢસેડીને પહેલા બ્રિજ ઉપર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને આશરે 120 ફૂટ ઊંચા બ્રિજ ઉપરથી નીચે મહીસાગર નદીમાં ફેંકવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બ્રિજ ઉપરથી મૃતકનું મોટરસાયકલ પણ પોલીસને મળી આવ્યું છે.

પ્રાથમિક તપાસ પ્રમાણે, મૃતકનું નામ દિનેશ ચુનારા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ડેસરા તાલુકાના નવા શિહોરા ગામના વતની છે. 32 વર્ષીય દિનેશ ચુનારા વહેલી સવારે ઘરેથી નીકળ્યો હતો. ડાકોર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લીધો છે.