ભૂજમાં સૌપ્રથમવાર ઊંટડીના દૂધને લઈને રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું આયોજન
નીતિન ગરવા, ભૂજઃ UNESCO દ્વારા વર્ષ 2024ને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ભુજમાં સૌપ્રથમવાર ઊંટડીના દૂધને લઈને રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાઈ હતી. ઊંટડીના દૂધમાં રહેલા ગુણકારી તત્વો વિશે વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા રિસર્ચ પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ઊંટ મરુસ્થલના વાહન તરીકે ઓળખાતું હતું હવે તે ઔષધીય ભંડાર તરીકે ઓળખાશે.
નેશનલ કેમલ મિલ્ક કોન્ફરન્સમાં NRCC બિકાનેરના ડાયરેક્ટર ડો. અર્તાબંધુ સાહુ, GCMMFના સમીર સક્સેના, કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. એન.એચ. કેલાવાલા, બિકાનેરના ડાયાબિટિક કેર એન્ડ રિસર્ચ સેન્ટરના ઇન્ચાર્જ ડો. આર.પી. અગ્રવાલ, સર્વમંગલ આરોગ્ય ધામના વૈદ્ય ડો. આલાપ અંતાણી તેમજ અન્ય સ્પેશિયલીસ્ટ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અને કેમલ મિલ્કના ગુણધર્મો અને તેના ફાયદાઓ તેમજ તેની આયુર્વેદિક તેમજ દવાની રીતે મહત્વ અંગે વાતચીત કરી હતી.
કચ્છમાં વર્ષ 2013થી કચ્છના ઊંટ ઉછેરકોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે તે માટે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલએ પ્રયત્નો હાથ ધર્યા હતા અને વર્ષ 2017થી સરહદ ડેરીએ ઊંટડીના દૂધનું સંપાદનનું કામ કરી રહી છે અને સરહદ ડેરીને ઊંટડીના દૂધને ખાધ્ય તરીકે FSSAIમાં ધોરણો નક્કી કરવામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.
બિકાનેરના નેશનલ રિસર્ચ સેન્ટર ફોર કેમલના ડાયરેક્ટર ડો. અર્તાબંધુ સાહુએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઊંટડીના દૂધમાં રહેલ ઇન્સ્લ્યુલિન જેવા પ્રોટીનના કારણે ઊંટડીનું દૂધ આરોગતા ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિન લેવાની જરૂર પડતી નથી. ઊંટડીના દૂધથી થતા ફાયદામાં ખાસ કરીને ઓટીઝમ તથા ટી.બી.ના દર્દીઓ માટે પણ આ દૂધ દવારૂપે ખૂબ ઉપયોગી રહે છે. ઊંટડીના દૂધ પર અનેક પ્રકારના વૈજ્ઞાનિક રિસર્ચ કરવામાં આવ્યા છે.
સરહદી ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે, કચ્છમાં 12000 જેટલા ઊંટ છે અને 350 જેટલા ઊંટ ઊછેરક છે અને સરહદ ડેરી દ્વારા હાલમાં દરરોજનું 5000 લીટર ઊંટડીના દૂધનું વિવિધ વિસ્તારમાંથી કલેક્શન કરવામાં આવી રહ્યું છે અને તે દૂધને દુર્ગંધ રહિત કરી અને એસેપ્ટિક પ્લેન દૂધ, ફ્લેવર દૂધ, સુગર ફ્રી ચોકોલેટ, આઇસ્ક્રીમ તથા પાવડર વગેરે અમુલ બ્રાન્ડ તળે બજારમાં મૂકવામાં આવ્યા છે. ભારતમાં સૌપ્રથમ વાર ઊંટડીના દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના કચ્છની સરહદ ડેરી દ્વારા કરવામાં આવ્યું છે. જે અમૂલ બ્રાન્ડ તળે આ તમામ પ્રોડક્ટ તૈયાર થઈ અને માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.