November 7, 2024

છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં રાજકારણ ગરમાયા બાદ જેનીબેન ઠુમ્મરનું ફોર્મ માન્ય

ફાઇલ ફોટો

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના ફોર્મ રદ કરવાના મામલે છેલ્લા 24 કલાકથી રાજકારણ ગરમાઈ રહ્યું હતું. આજે 10 વાગ્યાની કલેકટર કચેરીની મુદ્દતમાં અઢી ત્રણ કલાક વકીલોની દલીલો બાદ જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટર દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને અંતે ધીના ઠામમાં ઘી પડ્યું હતું. જેનીબેન ઠુમ્મરનું ફોર્મ માન્ય રહેતા કોંગ્રેસ દ્વારા સત્ય મેવ જયતેના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી અને રાજકીય ડ્રામાનો સુખદ અંત આવ્યો હતો. હાઈકોર્ટના વકીલ પંકજ ચાપાનેરીએ જેનીબેન ઠુમ્મરનું ફોર્મ માન્ય રહ્યું હોવાનુ જણાવ્યુ હતું.

આ પણ વાંચો: નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલ વિફર્યા, BJP પર લગાવ્યા ગંભીર આરોપ

છેલ્લા 24 કલાકથી રાજકીય ડ્રામા વચ્ચે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવ્યું હતું, પણ ચૂંટણી તંત્ર દ્વારા જેનીબેન ઠુમ્મરનું ફોર્મ માન્ય રહેતા કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ ભાજપના ઉમેદવાર સામે 7 કરોડની લોનની માંડવાળ અંગે વીરજી ઠુમ્મરે કલેકટરને લેખિત ફરિયાદ પણ આપેલ હતી.

વીરજીભાઈ ઠુમ્મર દ્વારા પ્રેસ કોન્ફરન્સ બાદ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી દ્વારા ટોટલ 14 ઉમેદવારોમાંથી 7 ઉમેદવારો માન્ય રહ્યાં હોવાનું જણાવ્યું હતું, જેમાં 4 અપક્ષો અને 1 પ્રાદેશિક પક્ષ સાથે ભાજપ કોંગ્રેસ વચ્ચે 7 મેના રોજ મતદાન થવાનું જણાવ્યું હતું.

જેનીબેન ઠુમ્મરનું ફોર્મ માન્ય રાખવામાં છેલ્લા 24 કલાકથી ફોર્મ ચકાસણીનો સમયગાળો કોંગ્રેસ માટે દ્વિધા યુક્ત બન્યો હતો ને ભાજપે 24 કલાક કોંગ્રેસને માનસિક પ્રેશરમાં રાખ્યું હતું અને અંતે જેનીબેન ઠુમ્મરનું ફોર્મ માન્ય રહેતા કોંગ્રેસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.