November 23, 2024

પ્રિયંકા ગાંધી દીવ-દમણમાંથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા

lok sabha election 2024 diu and daman seat congress candidate priyanka gandhi

પ્રિયંકા ગાંધી - ફાઇલ તસવીર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ત્યારે તમામ પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપે ગઈકાલે દેશભરના 195 લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેમાં ગુજરાતના 26માંથી 15 નામ સામેલ છે. આ વખતે 5 લોકસભા બેઠક પર નવા ઉમેદવારો પર દાવ લગાવવામાં આવ્યો છે. જ્યારે 10 સાંસદને રિપિટ કરવામાં આવ્યા છે.

પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતરે તેવી શક્યતા
ભાજપે દીવ-દમણ બેઠક પરથી લાલુ પટેલને ટિકિટ આપી છે. ત્યારે હવે કોંગ્રેસે પણ લોકસભા બેઠક પર મજબૂત ઉમેદવારોને ઉતારવા માટેની કવાયત હાથ ધરી છે. ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પહેલીવાર લોકસભા ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી રહ્યા હોવાની માહિતી મળી છે. દીવ-દમણના કેન્દ્રશાસિત બેઠક પરથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાઇકમાન્ડે સરવે ચાલુ કર્યો
કોંગ્રેસના હાઇકમાન્ડ દ્વારા દમણ-દીવની બેઠકનો સરવે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે દીવ-દમણ કોંગ્રેસના પ્રમુખ કેતન પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, ‘પ્રિયંકા ગાંધી દમણ-દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ બેઠકનો ડેટા તેમજ સરવે કરી રિપોર્ટ હાઇકમાન્ડને સોંપવામાં આવશે. પ્રિયંકા ગાંધી દમણ-દીવથી ચૂંટણી લડે તો સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકને ફાયદો થશે.’

BJPએ લાલુ પટેલને 4થી વાર રિપિટ કર્યા
લાલુભાઈ પટેલ ઉપર 4થી વખત BJPએ વિશ્વાસ રાખીને ફરી એક વખત રિપીટ કર્યા છે. લાલુભાઈ પટેલ 2009થી સતત જીતી રહ્યા છે અને ફરી પાછા રિપીટ કરવામાં આવ્યા છે. આગામી લોકસભા બેઠકમાં જંગી બહુમતીએ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા 15 વર્ષથી કરેલા વિકાસના કામોને લઈને દમણ ભાજપ કાર્યકારોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

દેશની સૌથી નાની લોકસભા બેઠક
દિવ અને દમણ લોકસભા બેઠક દેશની સૌથી નાનો લોકસભા વિસ્તાર ધરાવતી બેઠક છે. આ વિસ્તારમાં માત્ર 1.32 લાખ મતદારો છે. ત્યારે ભાજપે ચોથીવાર દીવ-દમણની બેઠક પરથી લોકસભાના હાલના સાંસદ લાલુ પટેલને રિપિટ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, લાલુ પટેલ કોળી પટેલ સમાજનું મોટું નામ છે. ત્યારે તેમની સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે.