October 5, 2024

સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠકનો ઇતિહાસ, જાણો આ વખતના ઉમેદવાર કોણ છે?

સાબરકાંઠાઃ ઉત્તર ગુજરાતના રાજકારણનું હબ એટલે સાબરકાંઠા. છેલ્લા કેટલાય વર્ષોથી અહીંના દિગ્ગજોનો વિજય અને પરાજય પણ થયો છે, તો કેટલીય રાજકીય ઉથલપાથલ પણ જોવા મળી છે. જે રીતે 2024ની લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાનું રાજકારણ પણ સક્રિય બન્યુ છે. ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પાર્ટીઓના કાર્યકરોથી લઈને ધારાસભ્યો અને અન્ય નેતાઓ હવે ફરી સક્રિય બન્યા છે. કારણ કે, આ લોકસભાની ચૂંટણી ખરાખરીની પહેશે અને આ વર્ષે ભલભલા ઉમેદવારો પણ ગોથું મારી જાય તો પણ નવાઈ નહીં, તેવી સ્થિતિ હાલ તો સર્જાઈ છે.

સાબરકાંઠા બેઠક પરથી જીતેલા ઉમેદવાર

1951 – ગુલઝારીલાલ નંદા (કોંગ્રેસ)
1957 – ગુલઝારીલાલ નંદા (કોંગ્રેસ)
1962 – ગુલઝારીલાલ નંદા (કોંગ્રેસ)
1967 – સીસી દેસાઈ (કોંગ્રેસ)
1971 – સીસી દેસાઈ (કોંગ્રેસ)
1973 – મણિબેન પટેલ (કોંગ્રેસ)
1977 – એચએમ પટેલ (જનતા પાર્ટી)
1980 – શાંતુભાઈ પટેલ (કોંગ્રેસ)
1984 – એચએમ પટેલ (જનતા પાર્ટી)
1989 – મંગળભાઈ પટેલ (જનતા દળ)
1991 – અરવિંદ ત્રિવેદી (ભાજપ)
1996 – નિશા ચૌધરી (કોંગ્રેસ)
1998 – નિશા ચૌધરી (કોંગ્રેસ)
1999 – નિશા ચૌધરી (કોંગ્રેસ)
2001 – મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ) બાયઇલેક્શન
2004 – મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ)
2009 – મહેન્દ્રસિંહ ચૌહાણ (ભાજપ)
2014 – દીપસિંહ રાઠોડ (ભાજપ)

આ પણ વાંચોઃ સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠકનું સરવૈયું, જાણો કયા મતદારો નિર્ણાયક બને છે

સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બંને જીલ્લાની થઈને કુલ સાત વિધાનસભા આવેલી છે. જેમાં ભિલોડા, બાયડ, મોડાસા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઇડર, હિંમતનગરનો સમાવેશ થાય છે. તેમાં હાલ ભાજપના કુલ પાંચ અને અપક્ષ અને કોંગ્રેસના ફાળે એક એક સીટ ગઈ છે. દર વર્ષે વિધાનસભા અને લોકસભામાં પરિવર્તન જોવા મળતું હોય છે, પરંતુ લોકસભામાં બે ટર્મથી ભાજપના ઉમેદવાર જીતીને આવે છે. વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠા લોકસભાની સીટ પર હંમેશા ક્ષત્રિય જ્ઞાતિના ઉમેદવારોનો દબદબો રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ લોકસભાની ચૂંટણીનો જંગ જીતવા ક્ષત્રિય સમાજના જ ઉમેદવારોને ટિકિટની ફાળવણી કરતા હોય છે.

ગત લોકસભામાં દીપસિંહ રાઠોડે કોંગ્રેસના મોડાસાના એમએલએ રાજેન્દ્રસિંહ ઠાકોરને કારમો પરાજય આપીને લોકસભાની સીટ પ્રાપ્ત કરી હતી. લોકસભાની સીટની વાત કરવામાં આવે તો જ્ઞાતિવાદ ઉપર આધારિત સંસદસભ્યની સીટ ઉપર ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, પાટીદાર સમાજના મતદારોનુ મહત્વ વધુ છે.જિલ્લામાં લધુમતી, દલિત, આદિવાસી, ચૌધરી પટેલના પણ મતદારો છે. જિલ્લામાં ઠાકોર સમાજની વસ્તી સૌથી વધુ હોવાને લઈને દિપસિંહ રાઠોડનો વિજય થયો હોય તેવું પણ લોકો માની રહ્યા છે.

આ પણ વાંચોઃ દાહોદની લોકસભા બેઠકનું સરવૈયું, છેલ્લી બે લોકસભા બેઠકમાં નોટામાં હજારો મત

ક્ષત્રિય, આદિવાસી અને પટેલ સમાજના પ્રભુત્વવાળી લોકસભાની સીટ આ જ્ઞાતિ ઉપરાંત પ્રજાપતિ, બ્રાહ્મણ, મુસ્લિમ અને દલિત જ્ઞાતિનો પણ ભારે દબદબો રહેલો છે. આથી ફક્ત કોઈ એક ચોક્કસ જાતિના ઉમેદવાર આ વખતે જીત મેળવે તે શક્ય નથી આ લોકસભાની ચૂંટણીમાં જે ઉમેદવાર આવે તેને તમામ જ્ઞાતિનો સહકાર મેળવવો અત્યંત જરૂરી છે. જિલ્લામાં સહકારી માળખાની વાત કરીએ તો બેંક હોય, માર્કટયાડ હોય, દૂધ મંડળીઓ અને ડેરીના રાજકારણ હોય અને અન્ય કોઈ સહકારી સંસ્થા હોય તમામ જગ્યાએ પાટીદાર સમાજનું પ્રભુત્વ જોવા મળ્યું છે.

સાબરકાંઠા જિલ્લાની લોકસભાની બેઠક કોઈ એક જ જ્ઞાતિ પર જીતવી બંને પક્ષો માટે મુશ્કેલ સાબિત થઈ શકે તેમ છે. તો જીએસટી, સ્થાનિક લોકોની રોજગારી, ઉધોગ જેવી બાબતોને લઈને પણ ભાજપને થોડું નુકશાન થઈ શકે તેમ છે. નોધનીય છે કે, ગત લોકસભામાં રાજેન્દ્રસિંહ ઠાકોરને હાર આપીને દિપસિંહ રાઠોડે સાંસદમાં 95 ટકા હાજરી આપી છે અને 300 જેવા વિવિધ પ્રકારના પ્રશ્નનો રજૂ કર્યા છે. સંસદની કાર્યવાહી શરૂ હોય ત્યારે અંદાજીત 30 ડિબેટમાં પણ ભાગીદાર બન્યા છે. સાબરકાંઠા જિલ્લાની વર્ષો જૂની માંગણી બ્રોડગ્રેજની તે પણ દિપસિંહના કાર્યકાળમાં શરૂ થઈ હતી, જે આંઝાદીના 70 વર્ષે પછી શરૂ થઈ છે.શામળાજીથી ઉદેપુર સુધી બ્રોડગેજ રેલવે લાઇનનું કામપૂર્ણ થતા હાલ રેલ વ્યવહાર પણ ચાલુ થઇ ચૂક્યો છે.

ઉમેદવારોની પ્રોફાઈલ

તુષાર ચૌધરી (કોંગ્રેસ ઉમેદવાર)
કોંગ્રેસમાં સાબરકાંઠાના ઉમેદવાર તરીકે જાહેર થયેલા તુષાર ચૌધરી ડૉ.તુષાર અમરસિંહ ચૌધરી (જન્મ ડિસેમ્બર ૧૮,૧૯૬૫) ભારતીય રાજકારણી અને ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે. 2004માં તેઓ માંડવી મત વિસ્તારમાંથી 14મી લોકસભા માટે ચૂંટાયા હતા. 2009માં તેઓ બારડોલી મત વિસ્તારમાંથી 15મી લોકસભા માટે ચૂંટાયા હતા. તેઓ 28 મે 2009થી 28 સપ્ટેમ્બર 2012 સુધી કેન્દ્રીય આદિજાતિ બાબતોના રાજ્ય પ્રધાન હતા. 28 સપ્ટેમ્બર 2012ના રોજ તેઓ કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે રાજ્યમંત્રી બન્યા હતા. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ ખેડબ્રહ્માની બેઠક પરથી ચૂંટાયા હતા. આ સાથે તે પોતે એમબીબીએસ સુધીનો અભ્યાસ પણ પૂર્ણ કરેલો છે. તેમને કેન્દ્રીય સરકારની અંદર પણ બહોળો અનુભવ છે અને તે પોતે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા છે તથા રાજકારણની વાત કરીએ તો તેમના પિતાજીથી તેમને રાજકારણની સૂઝબૂઝ મળેલી છે અને વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પણ તે રાજનીતિમાં કાર્યરત હતા.

શોભના બારૈયા (ભાજપ ઉમેદવાર)
ભારતીય જનતા પાર્ટીના નવા ઉમેદવાર શોભના બારૈયાની જાહેરાત કરવામાં આવી છે. શોભના મહેન્દ્રસિંહ બારૈયા કે જે પૂર્વ કોંગ્રેસના જ નેતા રહી ચૂક્યા છે. હાલમાં ભાજપની અંદર જોડાયેલા છે, ત્યારે શોભના બારૈયા એક શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા હતા. આ સાથે તેમને અભ્યાસની અંદર પીટીસી કરેલું છે. લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે સાબરકાંઠા બેઠક પર મેદાને ઉતાર્યા છે એ શોભનાબેન બારૈયા પ્રાંતિજના મજરા ગામના વતની છે અને ફતેપુર ગામમાં સાસરી ધરાવે છે. હિંમતનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા પરિવારના પુત્રી શોભનાબેન બારૈયા ખુદ પણ શિક્ષિકા છે. તેઓ પ્રાંતિજના બાલીસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.