December 22, 2024

પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો 5 વાગ્યા સુધી ક્યાં અને કેટલું મતદાન થયું

Lok Sabha Election 2024 1st Phase Voting: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થયું હતું, નોંધનીય છે કે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. ઘણી જગ્યાએ સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. પ્રથમ તબક્કા માટે મતદાન સાંજે 6 વાગે પુરુ થઇ ગયું છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 16 કરોડથી વધુ મતદારો છે. હાલમાં જે લોકો મતદાન મથકની અંદર પ્રવેશ મળી ગયો છે તે લોકો મતદાન કરી શકશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.4 કરોડ પુરૂષ અને 8.23 ​​કરોડ મહિલા મતદારો છે. તેમાંથી 35.67 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 20 થી 29 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. આ માટે 1.87 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.

આસામમાં 150 ‘સંપૂર્ણ EVM સેટ’ બદલાયાઃ ચૂંટણી અધિકારી
આસામની પાંચ લોકસભા સીટોમાં ખરાબીના કારણે કુલ 150 સંપૂર્ણ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સેટ બદલવામાં આવ્યા હતા. VVPAT અને વ્યક્તિગત EVM ના બેલેટ યુનિટ સહિત 400 થી વધુ ઉપકરણો પણ ખામીને કારણે બદલવામાં આવ્યા છે. ચૂંટણી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વાસ્તવિક મતદાનની 90 મિનિટ પહેલા શરૂ થયેલા મોક મતદાન દરમિયાન મોટાભાગની ગેરરીતિઓ જોવા મળી હતી. વાસ્તવિક મતદાન શરૂ થયા પછી, સમગ્ર સેટની સાથે છ ઈવીએમ બદલવામાં આવ્યા હતા. તે જ સમયે, વિવિધ મતદાન મથકો પર 40 વધુ VVPAT બદલવામાં આવ્યા હતા.

TMCની આંખોમાં હારનો ડર દેખાઈ રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી અને કૂચબિહાર લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર નિસિથ પ્રામાણિકે જણાવ્યું હતું કે, ‘ટીએમસી લોકોને બૂથ સુધી પહોંચતા અટકાવવાનો પ્રયાસ કરી રહી છે. TMCની આંખોમાં હારનો ડર દેખાઈ રહ્યો છે… લોકો ટીએમસીના ગુંડાઓનો વિરોધ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. લોકો ચોક્કસપણે તેમના મત દ્વારા હિંસાનો જવાબ આપશે.’

મહારાષ્ટ્રની પાંચ સીટો પર 3 વાગ્યા સુધી સરેરાશ 44.7 ટકા મતદાન થયું છે
મહારાષ્ટ્રની પાંચ લોકસભા બેઠકો પર શુક્રવારે બપોરે 3 વાગ્યા સુધી 95 લાખ પાત્ર મતદારોમાંથી લગભગ 44.7 ટકાએ મતદાન કર્યું હતું. અધિકારીએ જણાવ્યું કે બપોરે 3 વાગ્યા સુધી ભંડારા-ગોંદિયામાં 45.88 ટકા, ચંદ્રપુરમાં 43.48 ટકા, ગઢચિરોલી-ચિમુરમાં 55.79 ટકા, નાગપુરમાં 38.43 ટકા અને રામટેકમાં 40.10 ટકા મતદાન થયું હતું. બપોરે 3 વાગ્યા સુધી તમામ પાંચ બેઠકો પર સરેરાશ 44.73 ટકા જેટલું મતદાન થયું હતું.

બંગાળમાં 77.57 ટકા અને બિહારમાં 46.32 ટકા મતદાન, જાણો 5 વાગ્યા સુધી ક્યાં અને કેટલું મતદાન થયું.
આંદામાન અને નિકોબાર: 56.87%
અરુણાચલ પ્રદેશઃ 63.26%
આસામ: 70.77%
બિહાર: 46.32%
છત્તીસગઢ: 63.41%
જમ્મુ અને કાશ્મીર: 65.08%
લક્ષદ્વીપ: 59.02%
મધ્ય પ્રદેશ: 63.25%
મહારાષ્ટ્ર: 54.85%
મણિપુર: 67.46%
મેઘાલય: 69.91%
મિઝોરમ: 52.62%
નાગાલેન્ડ: 55.75%
પુડુચેરી: 72.84%
રાજસ્થાન: 50.27%
સિક્કિમ: 67.58%
તમિલનાડુ: 62.02%
ત્રિપુરા: 76.10%
ઉત્તર પ્રદેશ: 57.54%
ઉત્તરાખંડ: 53.56%
પશ્ચિમ બંગાળ: 77.57%