July 4, 2024

Gujaratની પાંચ બેઠક પર BJP માટે ખતરો, જાણો કોની સામે કયા ઉમેદવાર

અમદાવાદઃ 18મી લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ હવે મતગણતરી ચાલુ છે. ત્યારે ગુજરાતની 26 બેઠકમાંથી 1 બેઠક ભાજપ બિનહરીફ જીતી ગયું છે. સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે. વર્ષ 2024ની ચૂંટણીમાં ભાજપના ગઢ ગણતા ગુજરાતમાં પાંચ બેઠક એવી છે કે જ્યાં ભાજપના કાંગરા ખરે તેવી શક્યતા છે અને 15 વર્ષ બાદ કોંગ્રેસનું ખાતું ખૂલે તેવી શક્યતા છે. તો આવો જાણીએ કઈ કઈ બેઠક સામેલ છે.

1. ભાવનગર

અહીંથી ભાજપના ઉમેદવાર નિમુ બાંભણિયા મેદાને છે, જ્યારે તેમની સામે INDI ગઠબંધનના આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા મેદાને છે. આ બેઠક પર ભાજપ માટે ખતરો દેખાઈ રહ્યો છે.

2. ભરૂચ

આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા મેદાને છે, તો તેમની સામે INDI ગઠબંધનના આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને છે. ઉલ્લેખનીય છે કે, હાલની પરિસ્થિતિને જોતા આ આદિવાસી પટ્ટામાં રૂઝાન ચૈતર વસાવા બાજુ હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે, મનસુખ વસાવા છેલ્લા 35 વર્ષથી આ બેઠક પર સાંસદ છે.

3. બનાસકાંઠા

આ બેઠક પર આ વર્ષે ભાજપે નવા ઉમેદવાર રેખા ચૌધરીને મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે હાલના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. મહત્વનું છે કે, આ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે છે. ત્યારે બંને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામે તેવી શક્યતા છે.

4. આણંદ

આ બેઠક પર ભાજપે હાલના સાંસદ મિતેષ પટેલને ટિકિટ આપી ફરીથી રિપિટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે હાલના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે. આણંદ જિલ્લામાં 50 ટકા ક્ષત્રિય મતદારો છે. ત્યારે ચૂંટણી પહેલાં થયેલા ક્ષત્રિય આંદોલનને કારણે આ બેઠક પર ભાજપને હારનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.

5. વલસાડ

આ બેઠક પર ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે હાલના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર પણ ભાજપને ખતરો હોય તેવું લાગી રહ્યું છે.