July 5, 2024

ગુજરાતની આ બેઠક જીતનાર પાર્ટી દેશમાં બનાવે છે સરકાર, ખાસ છે ઈતિહાસ

આ વખતે બંને પાર્ટીના ઉમેદવારો વાંસદા તાલુકામાંથી આવે છે.

Lok Sabha Election 2024, Valsad: દેશમાં સત્તા માટેની ગુજરાતની પાસે રહેલી ચાવીની વાત એટલે વલસાડ બેઠક. બીજેપી અને કોંગ્રેસ બંને પાર્ટીઓ આ બેઠકને ખૂબ મહત્ત્વ આપે છે. કેમ કે, અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે, જે પાર્ટી વલસાડ બેઠક પરથી જીતે એ જ રાજ કરે. અહીંથી જે પાર્ટીનો એમપી ચૂંટાય એ જ પાર્ટી દેશમાં શાસન કરે છે.

વલસાડ બેઠક પર વર્ષ 1957થી 1967 સુધી કોંગ્રેસે લોકસભાની ચૂંટણી જીતી હતી. અહીંથી પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ કોંગ્રેસે જીત મેળવી હતી. ત્યાં જ 1977માં જનતા પાર્ટીએ આ બેઠક જીતી હતી. તો ઈન્દિરા ગાંધીની આગેવાનીવાળી કોંગ્રેસ 1980 અને 1984માં જીતી હતી. જે બાદ 1989માં જનતા દળે બાજી પલ્ટી અને અરુણભાઈ પટેલ આ બેઠક પરથી જીત્યા હતા. જે બાદ 1991માં કોંગ્રેસ જીતી ગઈ. જોકે ભાજપની સતત ત્રણ ચૂંટણીઓમાં જીત થઇ હતી. જેમાં મણીભાઈ ચૌધરી 1996, 1998 અને 1999માં ભાજપના ટિકિટ પર ચૂંટાયા હતા. વર્ષ 2004 અને 2009માં કોંગ્રેસના કિશનભાઈ પટેલ સતત બે વખત વલસાડ બેઠક જીત્યા હતા તો 2014માં ભાજપના કે.સી. પટેલનો વિજય થયો હતો. વલસાડ લોકસભા બેઠક પર કુલ 18,48,211 મતદારો છે જેમાં સ્ત્રી મતદાતાઓ 90,8810 અને પુરુષ મતદારો 9,39,379 છે.

તમને જણાવી દઇએ કે, 1996માં ભાજપે પહેલીવાર આ બેઠક જીતી હતી. એ સમયે અટલ બિહારી વાજપેયીને કેન્દ્ર સરકાર ચલાવવાની તક મળી હતી. જોકે, આ સરકાર ફક્ત 13 દિવસ માટે જ ટકી શકી હતી. એ પછી 1998માં ભાજપના નેતૃત્વવાળી સરકાર હતી. 1999થી 2004 સુધી અટલ બિહારી વાજપેયીએ સંપૂર્ણ કાર્યકાળ પૂરો કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ ત્રણેય ચૂંટણીઓમાં ભાજપે વલસાડ બેઠક જીતી હતી. કોંગ્રેસે ફરી 2004માં આ બેઠક જીતી હતી. એ સમયે કેન્દ્રમાં યુપીએ સરકારની રચના થઈ હતી. 2009ની ચૂંટણીમાં કોંગ્રેસે વલસાડ બેઠક જીતી હતી.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના મહાસંગ્રામમાં ભરૂચ બેઠક પર જામશે ખરાખરીનો જંગ

2014માં બેઠક ભાજપના ખાતામાં ગઈ. એ સમયે ફરી એકવાર બીજેપીએ દિલ્હીમાં સરકાર બનાવી હતી. ત્યાર બાદ ફરી 2019માં ભાજપ દ્વારા ડૉ. કે.સી. પટેલને રિપીટ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસમાંથી ફરી કિશન પટેલને ટિકિટ આપવામાં આવી હતી. ફરી કે.સી પટેલે જીત મેળવી હતી. 2024માં કોંગ્રેસે આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે બીજેપીએ પણ નવો દાવ રમી વાંસદાના જ યુવા ચહેરા ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે. આ વખતે બંને પાર્ટીના ઉમેદવારો વાંસદા તાલુકામાંથી આવે છે. આ સીટ પર આદિવાસીઓનું પ્રભુત્ત્વ જોવા મળે છે.