AAP-કોંગ્રેસ ભેગા મળીને પણ કંઈ કરી નહીં શકેઃ સીઆર પાટીલ
અમદાવાદઃ લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે શનિવારે સીટ શેરિંગની જાહેરાત કરી હતી. બંને પાર્ટીઓએ દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા અને ચંદીગઢ માટે સીટની ભાગીદારી કરી હતી. આ રાજ્યોમાં બંને પાર્ટી સાથે મળીને NDAને ટક્કર આપશે. તો ગુજરાતમાં ભરૂચ સીટ આપના ખાતામાં આવી છે. આ સીટને લઈને ખૂબ ખેંચતાણ થઈ હતી. પરંતુ છેલ્લે સીટ કેજરીવાલને મળી ગઈ. તેને લઈને ભાજપે પ્રહાર કર્યો છે. પાર્ટીનું કહેવું છે કે, આમ આદમી પાર્ટી ત્યાં સારું પ્રદર્શન કરી શકશે નહીં અને હારી જશે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ મામલે કહ્યુ હતુ કે, ‘24 સીટ કોંગ્રેસ અને બે સીટ પર આમ આદમી પાર્ટી લડશે. તેવી ઇન્ડિયા ગઠબંધને જાહેરાત કરી હતી. જે ચૈતર વસાવાને લઈને આમ આદમી પાર્ટી ઉત્સાહિત છે, તમારે એનું રિઝલ્ટ જોવું જોઈએ. 2022ની વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સાતમાંથી ચાર સીટ પર ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી. એક જ સીટ તેઓ જીતી શક્યા હતા. 6 સીટ ભાજપે જીતી હતી. ભાજપને 6 લાખ વોટ મળ્યા હતા. આપને 1.54 લાખ વોટ મળ્યા હતા. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પણ 3 લાખ વોટનો તફાવત હતો. એવા માહોલમાં ભાજપે લોકસભાની સીટ કેટલાય વર્ષોથી જીતી રહી છે. જ્યારે અહમદ પટેલ ખૂબ જ મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા. ત્યારે પણ તેઓ હાર્યા હતા. તો આજે આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી શકશે તેવું હું માનતો નથી. ગુજરાતના ભરૂચમાં તેમને કારમી હાર મળી હતી. માત્ર વાયદાઓ કરવા, મોટી મોટી વાતો કરવી અને ચૂંટણી પછી ગાયબ થઈ જવું તેને લોકો સમજી શકે છે. મોદી સાહેબની ગેરંટી, લોકો આ બાબતે કહે છે કે ‘પથ્થરની લકીર’ છે. લોકોને પીએમ પર વિશ્વાસ છે.’
પાટીલ પર પલટવાર કરતા ગુજરાતના આપ નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યુ છે કે, ‘ચંદીગઢમાં કેમેરા સામે વોટની ચોરી કરનારા, ઇડી-સીબીઆઈનો દુરુપયોગ કરીને વિપક્ષી પાર્ટીઓને દબાવનારા તાનાશાહોને હરાવવા માટે, લોકતંત્રને બચાવવા માટે મોટા મનથી, મોટા દિલથી અંદરોઅંદર સમાધાન કરી લીધું છે. તેનાથી મનોબળમાં ખૂબ વધારો થાય છે. કાર્યકર્તાઓમાં જોશ વધારવાનો ફેંસલો છે. અમે આ નિર્ણયથી ખૂબ ખુશ છીએ. અમે કોંગ્રેસ અને આપ કાર્યકર્તાને સાથે મળીને હરાવીશું. દેશના લોકતંત્રને બચાવીશું.’
ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતર વસાવાએ કહ્યુ છે કે, ‘આજે ઇન્ડિયા બ્લોકમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન થઈ ગયું છે. જાહેરાત કરવામાં આવી છે કે, ગુજરાતમાં ભરૂચની સીટ મને આપવામાં આવી છે. હું આ જાહેરાતથી ખૂબ ખુશ છું. હું આ મોટી જવાબદારી માટે અરવિંદ કેજરીવાલ, સંદીપ પાઠક, ભગવંત માન અને કોંગ્રેસનો આભાર વ્યક્ત કરું છું. હું સ્વર્ગીય અહમદ પટેલને ભરૂચ સીટ જીતીને શ્રદ્ધાંજલિ આપીશ. અમારો ઉદ્દેશ્ય ભરૂચ લોકસભા વિસ્તારમાંથી ભાજપને બહાર કાઢવાનો છે અને તે માટે અમે જલદી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે રણનીતિ નક્કી કરીશું.’