April 2, 2025

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો, સામાન્ય જનતાને મળશે રાહત

Delhi: ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ખાસ કરીને 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેનાથી હોટલ, રેસ્ટોરન્ટ અને વ્યવસાય ક્ષેત્રો તેમજ ગૃહિણીઓને રાહત મળશે.

દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 41 રૂપિયા સસ્તો થયો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 41 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા પછી આ સિલિન્ડર હવે દિલ્હીમાં 1762 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જ્યારે પહેલા તેની કિંમત 1803 રૂપિયા હતી. નવા દર 1 એપ્રિલ, 2025થી અમલમાં આવ્યા છે.

અન્ય શહેરોમાં પણ ભાવમાં ઘટાડો
દિલ્હી ઉપરાંત અન્ય શહેરોમાં પણ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

કોલકાતા: હવે 19 કિલોગ્રામનું કોમર્શિયલ સિલિન્ડર 1872 રૂપિયામાં મળશે. જે પહેલા 1913 રૂપિયા હતું.
મુંબઈ: અહીં હવે આ સિલિન્ડરની કિંમત 1714.50 રૂપિયા થશે. જે પહેલા 1755.50 રૂપિયા હતી.
ચેન્નાઈ: હવે કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમત 1924 રૂપિયા છે, જ્યારે પહેલા તે 1965 રૂપિયામાં મળતી હતી.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવા છતાં ઘરેલુ LPG ગેસ સિલિન્ડર (14.2 કિલો) ના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં ઘરેલું LPG ગેસ સિલિન્ડર દિલ્હીમાં 803 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.

LPG સિલિન્ડરના ભાવ દર મહિને બદલાય છે
દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. જરૂરિયાત મુજબ આ કિંમતો વધારી કે ઘટાડી શકાય છે. ગયા મહિને એટલે કે 1 માર્ચે, કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાનો વધારો કર્યો હતો.

કોમર્શિયલ LPG ગેસના ભાવ કેમ ઘટ્યા?
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં થતી વધઘટ સ્થાનિક બજારને પણ અસર કરે છે. આ ઉપરાંત સરકારી નીતિ અને કંપનીઓના નફાને સંતુલિત કરવા માટે સમયાંતરે કિંમતોમાં પણ ફેરફાર કરવામાં આવે છે.