February 3, 2025

મહાકુંભમાં વસંતપંચમીનું શાહી સ્નાન, અત્યાર સુધીમાં 34 કરોડ લોકોએ ડૂબકી લગાવી

Mahakumbh Vasant Panchmi Snan: અખાડાઓની સાથે ત્રિવેણી સંગમ ખાતે ભક્તોનું પવિત્ર સ્નાન પણ ચાલી રહ્યું છે. કુંભ મેળાના વહીવટીતંત્રનો અંદાજ છે કે સોમવારે સાંજ સુધીમાં પાંચ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે. ભીડને જોતા સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.


2 ફેબ્રુઆરી સુધી 34.97 કરોડ શ્રદ્ધાળુનું સ્નાન
વસંત પંચમી નિમિત્તે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરી રહેલા ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના માહિતી વિભાગ અનુસાર, આજે સવારે 8 વાગ્યા સુધી 62.25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. 2 ફેબ્રુઆરી સુધી 34.97 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે. મહાકુંભ 2025નું છેલ્લું અમૃત સ્નાન આજે વસંત પંચમીના અવસરે થઈ રહ્યું છે.

વસંત પંચમી પર અમૃત કાળ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ
વસંત પંચમીના દિવસે સ્નાન અને દાન માટે અનેક શુભ તક છે. જે અતિદુર્લભ છે. રવિ યોગ 3જી ફેબ્રુઆરીના રોજ સવારે 12:52થી 07:08 સુધી ચાલશે. આ સાથે બ્રહ્મ મુહૂર્ત સવારે 05:24થી 06:16 સુધી રહેશે. તેમજ અમૃત કાળ 08:24થી 09:53 સુધી રહેશે. આ ઉપરાંત અભિજિત મુહૂર્ત બપોરે 12:13થી 12:57 સુધી રહેશે.

વસંત પંચમીએ પોન્ટૂન બ્રિજ ખુલ્લો રહેશે
વસંત પંચમી અમૃત સ્નાન પર્વ પર પોન્ટૂન બ્રિજ સ્નાન કરનારાઓના પગપાળા ટ્રાફિક માટે ખુલ્લા રહેશે. કયા બ્રિજ પરથી ક્યાં જઈ શકાય તે પણ નક્કી કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ રવિવારે જ લાગુ કરવામાં આવી હતી. જો કે, આ સિસ્ટમ હેઠળ ઝુંસીથી સંગમ તરફ આવતા લોકોએ લાંબુ અંતર કાપવું પડશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે બેઠકમાં પોન્ટૂન બ્રિજને આયોજનબદ્ધ રીતે ચલાવવા માટે સૂચના આપી હતી. આ ક્રમમાં પોન્ટૂન બ્રિજ ચલાવવાની યોજના બનાવવામાં આવી છે.