September 17, 2024

મહારાષ્ટ્રનું અર્થતંત્ર પાકિસ્તાન કરતાં મોટું, દેશમાં સૌથી વધુ ફેક્ટરીઓ તમિલનાડુમાં

દેશના વિવિધ રાજ્યોની અર્થવ્યવસ્થામાં ઘણી અસમાનતા છે. જ્યારે દિલ્હી, ગોવા અને સિક્કિમની માથાદીઠ આવક દક્ષિણ આફ્રિકા જેટલી છે, જ્યારે ઉત્તર પ્રદેશની સ્થિતિ સોમાલિયા અને રવાંડાની સમાન છે, જે વિશ્વના સૌથી ગરીબ દેશોમાં સામેલ છે. તેવી જ રીતે બાળ મૃત્યુદરના સંદર્ભમાં મિઝોરમ અને કેરળની સ્થિતિ અમેરિકા અને યુકે સમાન છે, જ્યારે મધ્ય પ્રદેશની સ્થિતિ અફઘાનિસ્તાનની સમાન છે. અહીં અમે તમને રાજ્યો વિશેના કેટલાક રસપ્રદ આંકડા જણાવી રહ્યાં છીએ…

હરિયાણા vs બિહાર

1980 અને 1984 ની વચ્ચે પંજાબ દેશના મોટા રાજ્યોમાં સૌથી વધુ સમૃદ્ધ હતું. ત્યારે હરિયાણાની માથાદીઠ આવક પંજાબના 86% જેટલી હતી. 2020-22માં હરિયાણા દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય બન્યું. પંજાબની માથાદીઠ આવક હરિયાણાની 63% થઈ ગઈ છે. બિહારની માથાદીઠ આવક હરિયાણાના મુકાબલે 20% છે.

દિલ્હી વિ યુપી

સિક્કિમ, ગોવા અને દિલ્હીની માથાદીઠ આવક દક્ષિણ આફ્રિકા જેટલી છે. બિહાર અને યુપી જેવા મોટા રાજ્યોની માથાદીઠ આવક રવાંડા અને સોમાલિયા જેવા ગરીબ દેશો જેટલી છે. માથાદીઠ આવકના મામલામાં સિક્કિમ, ગોવા, દિલ્હી, તેલંગાણા અને કર્ણાટક ટોચ પર છે. જ્યારે મેઘાલય, ઝારખંડ, મણિપુર, ઉત્તર પ્રદેશ અને બિહાર સૌથી નીચે છે.

મહારાષ્ટ્ર vs પાકિસ્તાન

દેશના ચાર રાજ્યોનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 20 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થા પાકિસ્તાન કરતા પણ મોટી છે. મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થાનું કદ 439 અબજ ડોલર છે, જ્યારે પાકિસ્તાનનું અર્થતંત્ર 338 અબજ ડોલર છે. જીડીપી પ્રમાણે મહારાષ્ટ્ર પછી તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ગુજરાતનો નંબર આવે છે. જ્યારે ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમનો જીડીપી સૌથી ઓછો રૂ. 0.3 લાખ કરોડ છે.

ક્યાં છે સૌથી વધુ ફેક્ટરીઓ

દક્ષિણના રાજ્ય તમિલનાડુમાં દેશમાં સૌથી વધુ ફેક્ટરીઓ છે. આ રાજ્યમાં 38,837 ફેક્ટરીઓ છે. આ પછી ગુજરાત (28,479) અને મહારાષ્ટ્ર (25,610) છે. સૌથી ઓછી ફેક્ટરીઓ મણિપુર (204), નાગાલેન્ડ (190) અને મેઘાલય (158)માં છે. આ યાદીમાં નીચેના પાંચ રાજ્યોમાં કુલ ફેક્ટરીઓની સંખ્યા કરતાં તમિલનાડુમાં 51 ગણી વધુ ફેક્ટરીઓ છે.