મહાશિવરાત્રીના મેળામાં ‘કાયદાનો કસુબલ રંગ’ કાર્યક્રમ યોજાયો, સંગીત રસ સાથે કાયદાકીય જાણકારી અપાઈ

સાગર ઠાકર, જૂનાગઢ: જૂનાગઢની ભવનાથ તળેટીમાં ચાલતા મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાયદાનો કસુબલ રંગ કાર્યક્રમ યોજાયો હતો. લોકોને કાયદાકીય સમજ અને જાણકારી મળી રહે તેવા હેતુથી મહાશિવરાત્રીના મેળામાં એક અનોખા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંગીતના માધ્યમથી કાયદાની સમજ આપવામાં આવી જેમાં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વકીલની સેવા, કાનુની સહાય, લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ, લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ, મહિલા હેલ્પલાઈન સહિતની કાયદાકીય બાબતોને અને યોજનાઓની સરળ શૈલીમાં પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ બી.જી.દવે, પ્રિન્સિપલ ફેમિલી જજ પી.વી શ્રીવાસ્તવ સહિતના ન્યાયાધીશો, ધારાશાસ્ત્રીઓ, કોર્ટના કર્મચારીઓ, જિલ્લાના વહિવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.