February 25, 2025

મહાશિવરાત્રિના મેળાને લઇને રેલવે વિભાગનો નિર્ણય, રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

જૂનાગઢઃ ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતભરમાંથી લોકો મેળાનો આનંદ માણવા માટે જૂનાગઢ આવતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.

આ સ્પેશિયલ ટ્રેન તારીખ 25, 26 અને 28મી ફેબ્રુઆરીએ દોડાવવામાં આવશે. આ ટ્રેન જૂનાગઢ અને રાજકોટ વચ્ચે દોડશે. મહાશિવરાત્રિના મેળા દરમિયાન યાત્રિકોના ધસારાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રિકોની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ-જૂનાગઢ મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 10.55 કલાકે ઉપડશે અને બપોરે 1.00 કલાકે જૂનાગઢ પહોંચશે. ત્યારબાદ જૂનાગઢ-રાજકોટ મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે 1.40 કલાકે ઉપડશે અને 5.05 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશન પર ઉભી રહેશે.