મહેમદાવાદના સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સામે ગંભીર આક્ષેપ, ખાનગી હોસ્પિટલ ચલાવતો હોવાનો પર્દાફાશ

યોગીન દરજી, નડિયાદઃ મહેમદાવાદ સામુહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય ડોક્ટર બ્રિજેશ પંચાલ સરકારી નોકરીની સાથે સાથે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ પણ ચલાવતા હોવાનો પર્દાફાશ થયો છે.

મહેમદાવાદના રહેવાસી અનિલભાઈ વાઘેલા નામના વ્યક્તિએ જિલ્લા કલેકટરને કરેલી અરજીમાં ફરિયાદ કરી છે કે, સરકારી ડોક્ટર સરકારી નોકરીની સાથે ખાનગી દવાખાનુ ના ચલાવી શકે, તેવો નિયમ હોવા છતાં મહેમદાવાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના જનરલ સર્જન અને મુખ્ય તબીબી અધિકારી બ્રિજેશ પંચાલ અમદાવાદના મણીનગરમાં પ્રમુખ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવી રહ્યા છે.

આ ઉપરાંત ડોક્ટર બ્રિજેશ પંચાલ આરોગ્યલક્ષી વિવિધ કેમ્પ સરકારી ફરજના ક્ષેત્ર એવા મહેમદાવાદમાં કરે છે. આ કેમ્પ મારફતે અમદાવાદની તેમની હોસ્પિટલમાં દર્દીઓને લઈ જતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

સરકારી ડોક્ટર બ્રિજેશભાઈ પંચાલ ફરજ દરમિયાન દર્દીઓ સાથે અયોગ્ય વર્તન કરતા હોવાનું અને દર્દીઓના નિદાનમાં પણ ધ્યાન ન આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારી નોકરીની ફરજ દરમિયાન તેઓ લેપટોપ અને મોબાઈલ મારફતે કામ કરતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ડોક્ટર બ્રિજેશ પંચાલ પર ગંભીર આક્ષેપ થતા હાલ તેઓ રજા પર ઉતરી ગયા છે. જેના કારણે મહેમદાવાદ સામુહિક આરોગ્ય કેન્દ્રનું કામકાજ પણ અટકી ગયું છે. દવાખાનામાં નથી જોવા મળી રહ્યા દર્દીઓ અને નથી જોવા મળી રહ્યો સ્ટાફ. દવા આપનાર સ્ટાફની કેબિન પણ ખાલી જોવા મળી છે. જ્યારે અન્ય કેબિનો પણ ખાલી જોવા મળી છે. પરિણામે જે બાંકડા એક સમયે દર્દીઓથી ખીચોખીચ જોવા મળતા હતા, તે બાંકડા પણ આજે ખાલી જોવા મળી રહ્યા છે.