બ્રિટનમાં મોટી દરિયાઈ દુર્ઘટના: ઓઈલ ટેન્કર અને કાર્ગો જહાજ વચ્ચે અથડામણ બાદ ભીષણ આગ લાગી, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

Oil Tanker Cargo Ship Collision: બ્રિટનના પૂર્વ ઈંગ્લેન્ડમાં મોટી દરિયાઈ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. આજે સોમવારે બ્રિટનના દરિયાઈ વિસ્તારમાં ઓઈલ ટેન્કર અને કાર્ગો શિપ વચ્ચે અથડામણ બાદ આગ લાગી હતી. ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 32 લોકોને સુરક્ષિત રીતે કિનારા પર લાવવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. જો કે, હજુ જાણવા મળ્યું નથી કે બંને શિપ વચ્ચે અથડામણ કેવી રીતે થઈ.’
ગ્રિમ્સબી ઇસ્ટ પોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ માર્ટિન બોયર્સે જણાવ્યું હતું કે વિન્ડકેટ-33 જહાજ પર 13 ઘાયલ લોકોને લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ બંદર પાઇલટ બોટ દ્વારા અન્ય 19 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. કેમિકલ અને ઓઈલ ઉત્પાદનોથી ભરેલા યુએસ-ધ્વજવાળા ઓઈલ ટેન્કરની ઓળખ એમવી સ્ટેના તરીકે થઈ છે. જ્યારે કાર્ગો શિપ પર પોર્ટુગીઝ ધ્વજ લહેરાતા જોવા મળ્યા હતા.’
જહાજોના ક્રૂ સભ્યો સુરક્ષિત છે
સ્ટેના બલ્કના સીઈઓ એરિક હેનેલે જણાવ્યું હતું કે જહાજના 20 થી વધુ ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને તેમની ગણતરી કરવામાં આવી છે. શિપ કેવી રીતે અથડાયા તેને લઈને કાંઈ કહી શકાશે નહીં.’ યુકે મેરીટાઇમ અને કોસ્ટગાર્ડ એજન્સી અનુસાર, ઘટનાસ્થળે ઘણી લાઇફબોટ અને કોસ્ટ ગાર્ડ રેસ્ક્યુ હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે. વધુમાં, ફાયર બ્રિગેડ અને કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટ સાથેના કેટલાક નજીકના જહાજો પણ ત્યાં હાજર છે.