September 12, 2024

Raksha Bandhan પર ઘરમાં નથી કોઈ મીઠાઈ તો 10 મિનિટમાં બનાવો આ રસ મધૂરા મલાઈ રોલ

Instant Sweet Dish: રક્ષાબંધન મીઠાઈ વગર અધૂરી છે. રક્ષાબંધનને એક દિવસની હવે વાર છે અને હજૂ સુધી કોઈ મીઠાઈ તમે બનાવી નથી? તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે મીઠાઈની એક એવી રીત લઈને આવ્યા છીએ જે બની જશે તરત જ. ઈન્સ્ટન્ટ તમે આ મીઠાઈ બનાવી શકો છો.

ઘરે બનાવેલી ક્રીમ
અમે જે ઈન્સ્ટન્ટ રેસીપીની વાત કરી રહ્યા છીએ તે છે મલાઈ રોલ. સાંભળીને જ મોં માં પાણી આવી ગયુંને? મલાઈ રોલ બનાવવો ખૂબ જ સરળ છે. તમે તેને ફક્ત 10 મિનિટમાં બનાવી શકો છો. જો તમારી પાસે ઘરે બનાવેલી ક્રીમ નથી તો તમે તેને બજારમાંથી ખરીદીને પણ વાપરી શકો છો અથવા તાજા દૂધમાંથી પણ ક્રિમ કાઢીને તમે તેમાં ઉપયોગમાં લઈ શકો છો. તમે કોઈપણ સમયે આ સ્વીટ ડીશ ઝડપથી તૈયાર કરી શકો છો. આવો જાણીએ કે કેવી રીતે બનાવશો આ ડીશ.

મલાઈ રોલ સામગ્રી:

બ્રેડના ટુકડા – 4
મલાઈ અથવા ક્રીમ – ½ કપ તાજી મલાઈ
નટ્સ- 1 વાટકી સમારેલા પિસ્તા અને બદામ
દૂધ – 1 વાટકી
કન્ડેન્સ્ડ દૂધ – 3 ચમચી
પીળો ફૂડ કલર – અડધી ચમચી

આ પણ વાંચો: લસણ નાંખીને આ રીતે બનાવો તીખી તમતમતી તીખારી

મલાઈ રોલ બનાવવાની રીતઃ
સૌ પ્રથમ ½ કપ ફ્રેશ ક્રીમ લો. હવે તેમાં 3 ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક, પીળો ફૂડ કલર, ¼ નારિયેળના છીણ, 1 વાટકી બારીક સમારેલા પિસ્તા અને બદામ ઉમેરો અને મિશ્રણને સારી રીતે મિક્સ કરો.

હવે 4 તાજી બ્રેડ સ્લાઈસ લો અને છરીની મદદથી તેની કિનારી કાઢી લો. હવે એક બાઉલમાં ઠંડુ દૂધ નાખો, પછી એક પછી એક બ્રેડની સ્લાઈસ ઉમેરતા રહો. હવે બધી બ્રેડ સ્લાઈડ્સને દૂધમાં બોળીને ચમચીની મદદથી નીચોવીને તૈયાર કરી દો.

હવે બ્રેડ સ્લાઈસ પર 1 ચમચી ક્રીમનું મિશ્રણ લગાવી દો. તેને રોલના આકારમાં ફોલ્ડ કરી દો. હવે તેને બંને બાજુથી બંધ કરી દો. એ જ રીતે બધા રોલ બનાવીને પ્લેટમાં એક લાઇનમાં ગોઠવી દો. ટોચ પર કન્ડેન્સ્ડ દૂધ રેડો અને આનંદ તમે માણી શકો છો.