માલદીવમાં ઈઝરાયલી લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ!
Maldives: માલદીવ દુનિયાભરના પ્રવાસીઓ માટે હનીમૂન માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. દર વર્ષે 15 લાખથી વધુ પ્રવાસીઓ અહીં ફરવા આવે છે, પરંતુ આ દેશના દરવાજા ઈઝરાયલ માટે બંધ છે. માલદીવે મંગળવારે ઇઝરાયલી પ્રવાસીઓ પર પ્રતિબંધની જાહેરાત કરી અને પેલેસ્ટિનિયન હેતુ સાથે તેની “દૃઢ એકતા”નો પુનરોચ્ચાર કર્યો.
રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુના કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુઇઝુએ માલદીવ ઇમિગ્રેશન એક્ટમાં ત્રીજા સુધારાને મંજૂરી આપી છે, જેને 15 એપ્રિલ, 2025 ના રોજ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું ઈઝરાયલ દ્વારા પેલેસ્ટિનિયન લોકો સામે કરવામાં આવી રહેલા અત્યાચાર અને નરસંહારના પ્રતિભાવમાં સરકારના ‘મક્કમ વલણ’ને પ્રતિબિંબિત કરે છે.
મોટાભાગના પ્રવાસીઓ ચીનથી આવ્યા હતા
માલદીવમાં પ્રવાસીઓ મોકલનારા ટોચના દસ દેશોમાં ઈઝરાયલનો સમાવેશ થતો નથી, માલદીવના પ્રવાસન વિભાગ અનુસાર, આ વર્ષે 14 એપ્રિલ, 2025 સુધીમાં 729,932 પ્રવાસીઓએ માલદીવની મુલાકાત લીધી હતી. તેમાંથી લગભગ 70 ટકા ટાપુ રિસોર્ટમાં રોકાયા હતા. 11 ટકાથી વધુ પ્રવાસીઓ ચીનથી આવ્યા હતા અને 5 ટકા ભારતમાંથી આવ્યા હતા. જે છઠ્ઠા સ્થાને છે. ઈઝરાયલી પ્રવાસીઓ પર પ્રતિબંધથી માલદીવના અર્થતંત્ર પર ખાસ અસર નહીં પડે, કારણ કે ઇઝરાયલી પ્રવાસીઓ પહેલાથી જ ઓછી સંખ્યામાં અહીં આવે છે.
આ પણ વાંચો: દુબઈમાં પાકિસ્તાનીએ તલવારથી કર્યો હુમલો; તેલંગાણાના બે લોકોના મોત, એક ઘાયલ
માલદીવમાં વિરોધ પ્રદર્શનો
માલદીવમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં થયેલા પ્રદર્શનો બાદ માલદીવ સરકારે આ પગલું ભર્યું છે. ઈઝરાયલી હુમલાઓ સામે દેશના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને માલદીવના લોકો લાંબા સમયથી સરકારને ઈઝરાયલનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.