ભારત સાથે આડોડાઇ કર્યાં બાદ, મુઇઝ્ઝુને પોતાનો જ પગાર 50% ઘટાડવો પડ્યો
India Maldives News: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ પોતાના કાર્યકાળની શરૂઆતમાં ભારત સાથે આડોડાઇ કરી હતી, જેની અસર હવે દેખાઈ રહી છે. માલદીવની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. સ્થિતિ એવી ગઈ છે કે ખુદ મોહમ્મદ મુઇઝ્ઝુએ પોતાનો પગાર 50 ટકા ઘટાડવો પડ્યો છે. આ સિવાય માલદીવના અન્ય ઘણા સરકારી કર્મચારીઓના પગારમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા વર્ષે માલદીવની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન મુઇઝ્ઝુએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું અને ચૂંટણી જીતતાની સાથે જ ભારતીય સેનાને પરત મોકલી દીધી હતી. ટાપુ દેશમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો જેના કારણે આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ. જો કે છેલ્લા કેટલાક મહિનામાં મુઇઝ્ઝુએ ચીન પ્રત્યેનો પ્રેમ છોડી દીધો છે અને ભારત સાથે સંબંધો સુધારવાનો આગ્રહ કર્યો છે.
વિવિધ દેશો પાસેથી લીધેલા દેવાને કારણે માલદીવની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ સંકટની બહાર નીકળવા માટે, મુઇઝ્ઝુએ પોતાનો પગાર ઘટાડવાનો નિર્ણય કર્યો. મુઇઝ્ઝુએ 2025ના બજેટના ભાગ રૂપે પ્રસ્તાવિત તેમની સરકારના આર્થિક સુધારાના એજન્ડાના પગલાંની જાહેરાત કરી. મુઇઝ્ઝુના કાર્યાલયના એક નિવેદનને તેમની કચેરીએ જણાવ્યું હતું કે, “પ્રારંભિક પગલા તરીકે રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ તેમના પગારના 50 ટકા નહીં લે.” એક સરકારી સુત્રો સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે મુઇઝ્ઝુનો વાર્ષિક પગાર આવતા વર્ષથી ઘટાડીને 600,000 રુફિયા ($39,087) કરવામાં આવશે. જજો અને સાંસદોને કટમાંથી મુક્તિ આપવામાં આવશે. જોકે મુઇઝ્ઝુની ઓફિસે જણાવ્યું હતું કે તેને આશા છે કે તેઓ સ્વેચ્છાએ 10 ટકાના કાપ માટે સંમત થઈને બોજ વહેંચશે.
બે અઠવાડિયા પહેલા, મુઇઝ્ઝુએ ખર્ચ ઘટાડવાના પ્રયાસમાં મંત્રીઓ સહિત 225 થી વધુ રાજકીય નિમણૂંકોને બરતરફ કરી હતી.બરતરફ કરાયેલાઓમાં રાજ્યના સાત મંત્રીઓ, 43 નાયબ મંત્રીઓ અને 178 રાજકીય નિર્દેશકોનો સમાવેશ થાય છે. આ પગલાથી દેશને દર મહિને આશરે $370,000ની બચત થવાની અપેક્ષા છે. માલદીવે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે તેની નાણાકીય મુશ્કેલીઓ અસ્થાયી છે અને સંભવિત ડિફોલ્ટની ચેતવણીઓ હોવા છતાં, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પાસેથી બેલઆઉટ મેળવવાની તેની કોઈ યોજના નથી. નોંધનીય છે કે, ભારત માલદીવને લોન આપીને સતત મદદ કરી રહ્યું છે. પરંતુ રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઇઝ્ઝુએ ભારતને બદલે ચીન સાથે પોતાની નિકટતા વધારવાનું શરૂ કર્યું. આ પછી બંને દેશો વચ્ચે તણાવ પણ વધી ગયો.