December 28, 2024

ડૉ. મનમોહન સિંહને BMW પસંદ નહોતી, તેઓ કહેતા – મારી કાર મારુતિ 800 છે

Manmohan Singh: ડૉ.મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા પછી પણ સાદગી પસંદ કરનાર વ્યક્તિ હતા. ઘણી હદ સુધી તેમણે પોતાને મધ્યમ વર્ગની વ્યક્તિ માનીને આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. ભૂતપૂર્વ IPS અસીમ અરુણ, જેઓ હવે યુપી સરકારમાં મંત્રી છે, ત્રણ વર્ષ સુધી ડૉ. મનમોહન સિંહના બોડી ગાર્ડ હતા. આસિમે લખ્યું છે કે, હું 2004થી લગભગ ત્રણ વર્ષ સુધી ડૉ.મનમોહન સિંહનો બોડી ગાર્ડ હતો. ત્યારબાદ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ ‘SPG’માં હતો. અસીમના કહેવા પ્રમાણે, ડૉ.મનમોહન સિંહને ચમકતી કાળી BMW કાર પસંદ નહોતી. તે કહેતા હતા, અસીમ, મારી કાર ‘મારુતિ 800’ છે. જ્યારે પણ તેની ગાડીઓ મારુતિની સામેથી પસાર થતી, ત્યારે તે હંમેશા તેને દિલથી જોતા હતા.

અસીમ અરુણ અનુસાર, SPGમાં PMની સુરક્ષાનું સૌથી અંદરનું વર્તુળ ‘ક્લોઝ પ્રોટેક્શન ટીમ’ છે. આસિમને તેનું નેતૃત્વ કરવાની તક મળી હતી. AIG CPT એવા વ્યક્તિ છે જે ક્યારેય PMથી દૂર રહી શકતા નથી. જો એક જ બોડી ગાર્ડ રહી શકે તો આ વ્યક્તિ તેની સાથે રહેશે. આસિમે પોસ્ટમાં લખ્યું કે, આવી સ્થિતિમાં તેમની સાથે પડછાયાની જેમ રહેવું મારી જવાબદારી છે. ડૉ. સાહેબ પાસે એક જ કાર હતી – મારુતિ 800. તેમને તે કાર ખૂબ જ પસંદ હતી. પીએમ હાઉસમાં ચમકતી બ્લેક બીએમડબલ્યુ પાછળ ઉભી રહેતી.

મનમોહન સિંહ મને વારંવાર કહેતા હતા, ‘અસીમ, મને આ કારમાં મુસાફરી કરવાનું પસંદ નથી, મારી કાર આ (મારુતિ) છે.’ હું સમજાવું છું કે સાહેબ, આ કાર તમારી લક્ઝરી માટે નથી, તેની સુરક્ષા વિશેષતાઓ એવી છે જેના માટે એસપીજીએ તેને લીધી છે. જ્યારે પણ મારુતિની સામેથી ગાડીઓ પસાર થતી ત્યારે તે હમેશા તેને દિલથી જોતા હતા. જાણે કે સંકલ્પ લઈ રહ્યા હોય કે, હું મિડલ ક્લાસ વ્યક્તિ છું અને સામાન્ય માણસની ચિંતા કરવી એ મારું કામ છે. કરોડોની કાર વડાપ્રધાનની છે, મારી કાર તો મારુતિ છે.’

2019માં કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આપવામાં આવેલી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, તમામ એજન્સીઓ પાસેથી ઈનપુટ લીધા બાદ અને નિયમિત મૂલ્યાંકન કર્યા બાદ મનમોહન સિંહને Z Plus સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમની પહેલા પૂર્વ વડાપ્રધાનો એચડી દેવગૌડા અને વીપી સિંહનું સુરક્ષા કવર હટાવી દેવામાં આવ્યું હતું. ડૉ. મનમોહન સિંહની દીકરીઓએ પણ પોતાને SPG સુરક્ષા કવચથી અલગ કરી લીધા હતા. જ્યારે તેમની SPG સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી ત્યારે ડૉ. સિંહે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.