December 28, 2024

PM મોદીની સફળ વિદેશ નીતિનો પાયો મનમોહન સિંહે નાંખ્યો’તો, જયશંકર પણ તેમના પ્રશંસક

Narendra Modi With Manmohan Singh: ભારતની વિદેશ નીતિની આજે વિશ્વભરમાં પ્રશંસા થાય છે, પરંતુ આજે વડાપ્રધાન મોદી જે સફળ વિદેશ નીતિ ચલાવી રહ્યા છે, તેનો આધાર દેશના બે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહે તૈયાર કર્યો હતો. મનમોહન સિંઘના નેતૃત્વમાં 1991માં દેશમાં આર્થિક ઉદારીકરણ સહિતની કેટલીક ઘટનાઓ દેશની વિદેશ નીતિ માટે પરિવર્તનકારી હતી. જેણે દેશની વિદેશ નીતિને નવો આકાર આપ્યો. આ પછી અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન પોખરણમાં પરમાણુ પરીક્ષણ એક એવી ઘટના હતી. જેણે દેશની વિદેશ નીતિના દૃષ્ટિકોણમાં મોટો ફેરફાર કર્યો હતો. મનમોહન સિંઘના નિપુણતાના ક્ષેત્રો નાણા અને અર્થશાસ્ત્ર હતા, પરંતુ વિદેશ નીતિમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન હતું, જેની ચર્ચા ઓછી થાય છે. તો ચાલો જાણીએ કે દેશની વિદેશ નીતિમાં મનમોહન સિંહે કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવી.

અમેરિકા સાથેનો પરમાણુ સોદો
2004માં જ્યારે અટલ બિહારી વાજપેયી બાદ ડૉ. મનમોહન સિંહે વડાપ્રધાન પદ સંભાળ્યું ત્યારે તેમનું વિશેષ ધ્યાન વિદેશ નીતિ પર હતું. મનમોહન સિંહે પોખરણ પરમાણુ પરીક્ષણ પછી ભારતની વિદેશ નીતિ જે દિશામાં આગળ વધી હતી તે દિશામાં ચાલુ રાખ્યું અને ભારતને એક જવાબદાર પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશ તરીકે સ્થાપિત કર્યો. આ જ કારણ હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા હતા. આ ઉપરાંત મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન જ ભારતને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG) તરફથી ક્લીન-ચીટ મળી હતી. ભારત-યુએસ સિવિલ ન્યુક્લિયર ડીલ ભારતની ઉર્જા સુરક્ષા અને રાજદ્વારી સંબંધો માટે સીમાચિહ્નરૂપ સાબિત થયું હતું. તેનાથી ન માત્ર ભારતની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ મળી, પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે સહકારનો માર્ગ પણ ખુલ્યો, જે આજે નવી ઊંચાઈએ પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ક્યાં, ક્યારે અને કેવી રીતે થશે? જાણો સરકારી પ્રોટોકોલ

વિદેશ મંત્રી જયશંકર પણ મનમોહન સિંહના પ્રશંસક
જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા ત્યારે એસ જયશંકર વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (અમેરિકા) હતા. આ કારણે ભારત અને અમેરિકા વચ્ચે નાગરિક પરમાણુ કરારની વાટાઘાટો કરવામાં અને વિવિધ મુદ્દાઓ પર સર્વસંમતિ સુધી પહોંચવામાં ડૉ. જયશંકર મુખ્ય વ્યક્તિ હતા. ડૉ. સિંહના નેતૃત્વ હેઠળ ડૉ. જયશંકરે ભારતને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ દ્વારા મંજૂર કરાવવા માટે સખત મહેનત કરી હતી અને બંને નાગરિક પરમાણુ કરારના આર્કિટેક્ટ તરીકે જાણીતા છે. આ ડીલનો ડાબેરી પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ રાજકીય દબાણ છતાં મનમોહન સિંહ પાછળ હટ્યા ન હતા. આ સોદાને હકીકતમાં ફેરવવા માટે મનમોહન સિંહે વર્ષ 2008માં પોતાની સરકાર પણ દાવ પર લગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ આર્થિક સલાહકારથી લઈને PM સુધી, અમલદારશાહી-રાજકારણમાં પાંચ દાયકાની સફર…

મનમોહન સિંહે નાખેલી આ વિદેશ નીતિનો પાયો 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે વધુ મજબૂત થયો. હવે ડૉ. જયશંકર મોદી સરકારમાં વિદેશ મંત્રી તરીકે કામ કરી રહ્યા છે. ઐતિહાસિક પરમાણુ કરારની અસર એ છે કે આજે અમેરિકા ઉપરાંત ભારતે ફ્રાન્સ, રશિયા, યુનાઇટેડ કિંગડમ, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુએઈ, દક્ષિણ કોરિયા, આર્જેન્ટિના, કઝાકિસ્તાન, મંગોલિયા, ચેક રિપબ્લિક, શ્રીલંકા અને નામીબિયા સાથે નાગરિક પરમાણુ કરાર કર્યા છે. મનમોહન સિંહના નિધન પર ટ્વીટ કરતાં ડૉ. જયશંકરે લખ્યું કે, ‘ભારતીય આર્થિક સુધારાના શિલ્પકાર ગણાવા ઉપરાંત તેઓ (મનમોહન સિંહ) આપણી વિદેશ નીતિમાં વ્યૂહાત્મક સુધારા માટે પણ એટલા જ જવાબદાર હતા. તેમની સાથે કામ કરવું મારા માટે બહુ મોટો લહાવો હતો. હું હંમેશા તેમની દયા અને સૌજન્યને યાદ રાખીશ.’