April 4, 2025

MPમાં સફાઈ કર્મચારીને બચાવતી વખતે બની દુર્ઘટના: કૂવામાં ઝેરી ગેસના કારણે 8 લોકોના મોત

Death Due to Poisonous Gas: મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આજે ગણગૌર ઉત્સવ દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં 8 લોકોના મોત થયા છે. ગણગૌરના વિસર્જન પહેલાં એક જૂના કૂવાને સાફ કરવા ગયેલા કર્મચારીને બચાવવાનો પ્રયાસ કરતી વખતે 8 લોકો એક પછી એક દલદલમાં ફસાઈ ગયા. કૂવામાંથી નીકળેલા ઝેરી ગેસને કારણે 8 લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટના ઈન્દોર-ઈચ્છાપુર નેશનલ હાઈવે પર બની હતી. ઈન્દોર-ઈચ્છાપુર નેશનલ હાઈવે પર છૈગાંવમાખન પાસે આવેલા કોંડાવત ગામમાં આજે બપોરે એક કર્મચારી કૂવો સાફ કરવા ઉતર્યો હતો. પરંતુ, ઝેરી ગેસને કારણે તે બેભાન થઈ ગયો. જેના કારણે ડૂબી ગયો. ધીમે ધીમે બીજા 7 લોકો પણ અર્જુનને બચાવવા માટે કૂવામાં ઉતરી ગયા, પરંતુ ઝેરી ગેસના કારણે ગૂંગળામણને કારણે બધાના મોત થયા.

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક કૂવામાં ઝેરી ગેસના સંપર્કમાં આવવાથી 8 લોકોના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આજે ગણગૌર ઉત્સવનો ઉત્સાહ શોકમાં ફેરવાઈ ગયો, જ્યારે વિસર્જન માટે કૂવાની સફાઈ દરમિયાન એક મોટી દુર્ઘટના બની.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આમાં SDRFની 15 સભ્યોની ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. બચાવ ટીમે મૃતદેહોને બહાર કાઢવા માટે કામગીરી શરૂ કરી અને દોરડા અને જાળીની મદદથી, એક પછી એક બધા મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા. એકસાથે 8 લોકોના મોતને કારણે, વિસ્તારમાં ગણગૌર ઉત્સવની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ છે.