December 22, 2024

નવીનીકરણની રાહ જોતાં જુનાગઢના અનેક સ્થળો અને સુવિધાઓ

જુનાગઢ: પ્રવાસન ક્ષેત્રના વિકાસ અને નવીનીકરણ તથા યાત્રીકોની સુવિધા હેતુ રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે અને લાખો કરોડોના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવે છે. બ્યુટિફિકેશનના કામો કરવામાં આવે છે. આ કામો પુરા તો થઈ જાય છે. પરંતુ, તેની જાળવણી માટે કોઈ વ્યવસ્થા નથી પરિણામે લોકોની સુવિધા માટે જે કામો થયા તે આજે લોકોને ઉપયોગમાં આવી શકે તેવી સ્થિતિ નથી અને તમામ સુવિધાઓને તાળાબંધી થઈ ગઈ છે. સુવિધા માટે સાધનો ઉપલબ્ધ હોવા છતાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે અને સરકારે કરેલો ખર્ચ એળે ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

 જૂનાગઢ જીલ્લામાં અનેક એવા સ્થળો છે કે જ્યાં નવીનીકરણ કરવામા આવે તો લોકોને એક ફરવાલાયક સ્થળ ઉપલબ્ધ થાય. આવા જ હેતુથી જૂનાગઢ જીલ્લાના પ્રવાસન સ્થળોએ સરકાર દ્વારા પ્રવાસીઓની સુવિધા હેતુ વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો ગિરનાર તળેટીમાં ભવનાથમાં દર વર્ષે બે મોટા મેળા યોજાઈ છે જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો આવે છે. સામાન્ય દિવસોમાં પણ હજારો પ્રવાસીઓ ભવનાથ તળેટીમાં આવતાં હોય છે ત્યારે યાત્રીકોની સુવિધા હેતુ શૌચાલયો, ન્હાવા માટે અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ભવનાથ તળેટીમાં જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેના ગ્રાઉન્ડમાં યાત્રીકોની સુવિધા માટે શૌચાલય તથા પીવાના પાણીનું પરબ બનાવાયું હતું. પરંતુ, હાલ અહીં તાળા મારેલા છે. પાણીના પરબમાં દારૂની ખાલી બોટલો જોવા મળે અને યાત્રીકોને વિશ્રામ માટે બનાવેલા ગજીબાની ટાઈલ્સ પણ નીકળી ગઈ છે. આજ રીતે ભવનાથ તળેટીમાં યાત્રીકોની સુવિધા માટે શૌચાલયો બનાવાયા હતા ન્હાવા માટે ગરમ પાણી મળી રહે તેનો પ્લાન્ટ પણ નખાયો હતો અને વિશ્રામ માટે ડોમ તૈયાર કરાયો હતો. પરંતુ, આજે ડોમની જગ્યાએ માત્ર પિલોર ઉભા છે, શૌચાલયો બંધ છે, લાઈટીંગ મુકવામાં આવી હતી તે પણ તુટી ગઈ છે. આમ યાત્રીકો માટે ઉભી કરાયેલી સુવિધાનો કોઈ ઉપયોગ થતો નથી. તેની જાળવણી થતી નથી. કોઈ એજન્સીને કામ અપાતું નથી. તેથી હવે ભાંગતુટ થવા લાગી છે અને કરેલો ખર્ચ માથે પડ્યા જેવી સ્થિતિ છે.

તો નરસિંહ મહેતાના ચોરા ખાતે નરસિંહ મહેતાના જીવનચરીત્રને પ્રદર્શિત કરી શકાય તે માટે સુંદર મજાનું બિલ્ડીંગ તો તૈયાર કરાયું પરંતુ તેમાં આગળ કોઈ કામ થયું જ નથી, આધુનિક બિલ્ડીંગમાં નરસિંહ મહેતાનું સમગ્ર જીવન ચરીત્ર પ્રદર્શિત કરવાનું હતું લોકો અહીં આવીને નરસિંહ મહેતા વિશે જાણી શકે તેવો સરકારનો નમ્ર પ્રયાસ હતો, યાત્રીકોની સુવિધા હેતુ લીફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ વિકાસ કાર્યોના નિર્માણ પછી તે માળખું જેમની તેમ સ્થિતિમાં જ છે જે હેતુ માટે તેનું નિર્માણ કરવામાં આ્વ્યું તે હેતુ માટે કોઈ શરૂઆત જ નથી થઈ. ભવનાથ તળેટીમાં તો અગાઉ નિર્માણ થયેલા શૌચાલયો બંધ છે તેને ખોલવાને બદલે તંત્ર દ્વારા નવા શૌચાલયનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે તંત્રની કામગીરીને લઈને પણ સવાલો ઉભા થાય છે. તો નરસિંહ મહેતાના ચોરા ખાતે બિલ્ડીંગ તૈયાર છે છતાં શા માટે તેનો ઉપયોગ થતો નથી તેવા અનેક સવાલો ઉભા થાય છે.

મેંદરડા તાલુકામાં ચોરેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે પ્રાચીન મંદિર છે અને લોકોની આસ્થાનું કેન્દ્ર છે, ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શનાર્થે આવતાં હોય છે ત્યારે આવનાર શ્રધ્ધાળુઓને સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુ ત્રણ વર્ષ અગાઉ અહીં વિવિધ વિકાસ કામો કરવામાં આવ્યા જેમાં બેસવાની વ્યવસ્થા, લાઈટીંગ, પાણીની સુવિધા, શૌચાલય વગેરે બ્યુટીફીકેશનના કામો કરવામાં આવ્યા, સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા એક સારો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ હજુ સુધી જાહેર જનતાને આ સુવિધાનો લાભ નથી મળી રહ્યો કારણકે મેન્ટેનન્સ કરનાર કોઈ નથી. પરિણામે જે વિકાસ કાર્યો થયા તેમાં હવે નુકશાની થવા લાગી છે, જે રીતે માણાવદર રીવરફ્રન્ટ બન્યા બાદ હજુ સુધી તેનું લોકાર્પણ નથી થયું કારણ કે કોઈ એજન્સી જવાબદારી લેવા તૈયાર નથી આવી જ સ્થિતિ મેંદરડા ચોરેશ્વર ની છે.

વિકાસ કાર્યો થયા પરંતુ જેમના તેમ છે, લોકોને કોઈ ઉપયોગમાં આવે તેમ નથી. ત્યારે સરકારે કરેલો ખર્ચ એળે ન જાય તે માટે વહેલીતકે સુવિધાઓ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સરકાર પ્રવાસનને વેગ આપવા પ્રવાસન સ્થળોને વિકસાવે છે, બ્યુટીફીકેશનના કામો કરે છે, દર વર્ષે પ્રવાસન પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે તો જ્યારે સુવિધા ઉભી થાય છે તો તેના નિભાવ માટેની કેમ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી, સરકારે કરેલો ખર્ચ વ્યર્થ જાય છે તેવી સ્થિતિમાં આ સુવિધાનો ઉપયોગ શરૂ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.