November 10, 2024

લખપત તાલુકમાં 14 લોકોના મોત મામલે રાજ્ય સરકારનો કોંગ્રેસ પર પલટવાર

ગાંધીનગર: લખપત તાલુકામાં વરસાદ બાદ તાવના લીધે સાત ગામના 14 લોકોના મોત થયાના મામલે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ આ મામલે હવે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહે ગોહિલે લખપત તાલુકામાં 14 લોકોના મોત મામલે ટ્વીટ કરીને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ પલટવાર કરતા જણાવ્યું છે કે, કોંગ્રેસ હોબાળો કરવાનું કામ કરે છે અને માત્ર મુદ્દાઓ બનાવવાનું કામ કરે છે.

કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં ફાટી નીકળેલા રોગચાળાનો ભોગ વિસ્તારના લોકો બની રહ્યા છે અને 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યા. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે કોઈ સુવિધા નથી. વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલ્યું. એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપતના ગામોની મુલાકાત નથી લીધી. નિષ્ણાત ડોકટરોની ટીમો મોકલવી જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ. લોકોના જાનમાલના રક્ષણની જવાબદારી સરકારની છે. આમા બેદરકારી ના ચાલે.’

આ પણ વાંચો: સુરત પથ્થરમારો: હર્ષ સંઘવીનું ટ્વીટ, ‘મેં વચન આપ્યું હતું તેમ સૂર્યોદય થાય તે પહેલાં…’

કચ્છના લખપત તાલુકામાં 14 લોકોના મોત મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલા નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું છે અને કોંગ્રેસ માત્ર મુદ્દાઓ બનાવી હોબાળો કરવાનો આક્ષેપ કર્યો છે. શક્તિસિંહ ગોહિલનાં નિવેદન પર પલટવાર કરતા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, શકિતસિંહ ગોહિલનું નિવેદન તથ્ય વિહોણું છે. આરોગ્ય વિભાગ આ મુદ્દે લખપત તાલુકામાં કાર્યરત છે, હાલમાં સર્વેની કામગીરી ચાલુ છે. રાજકોટથી પણ નિષ્ણાતોની ટીમ ત્યાં ગઈ છે. ઝેરી મેલેરિયા ડેગ્યું નાં કારણે મોત થયાની હાલ પ્રાથમિક વિગતો મળી છે. તમામ મુદ્દે હાલ સર્વે કરવામાં આવી રહ્યો છે. તબીબોની સંખ્યા ઓછી છે પણ બોંડેન્ડ તબીબો ઉપલબ્ધ અન્ય GPSC પાસેથી તબીબો ઉપલબ્ધ થશે. કોંગ્રેસ માત્ર હોબાળા કરવાનું કામ કરે છે. માત્ર મુદ્દાઓ બનાવવાનું કામ કોંગ્રેસ કરે છે.’

તમને જણાવી દઈએ કે, લખપત તાલુકામાં વરસાદ બાદ તાવના લીધે સાત ગામના 14 વ્યક્તિઓના મોત અને અન્ય લોકો તાવમાં પટકાયા હોવાની કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને જિલ્લા પંચાયત કચ્છના મહિલા સદસ્યાએ લેખિત રજૂઆતને પગલે તંત્રને જાણ કરાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.જિલ્લા પંચાયતના મહિલા સભ્ય દ્વારા આરોગ્ય મંત્રી, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત બાદ આરોગ્યની ટીમો દોડતી કરવામાં આવી છે. જો કે, સ્થાનિકે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મૃત્યુ અંગે અલગ-અલગ રિપોર્ટ અને કારણ હોવાની પ્રાથમિક વિગતો હોવાનું તંત્ર અંદરખાને કહે છે. બીજી તરફ લખપત દોડી ગયેલા રોગચાળા નિયંત્રણ અધિકારીનું કહેવું છે કે, મૃતકોના સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી જ રોગચાળા અંગે ખરા નિષ્કર્ષ પર પહોંચી શકાશે.