ભડકાઉ ભાષણ મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને મોડાસા લવાયો
અરવલ્લીઃ છેલ્લા ઘણા દિવસોથી પોતાના ભડકાઉ ભાષણને લીધે ચર્ચામાં આવેલા મૌલાના સલમાન અઝહરીને મોડાસા લવાયો છે. જૂનાગઢ, સામખિયાળી બાદ અરવલ્લીના મોડાસામાં મૌલાના વિરુદ્ધ કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ પોલીસે મોડાસામાં સલમાન અઝહરીના કાર્યક્રમના આયોજકની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ પોલીસ મૌલાનાને કોર્ટમાં રજૂ કરી શકે છે
મૌલાના મુફ્તી અઝહરીને મોડાસા લાવ્યા બાદ અરવલ્લી પોલીસ દ્વારા ગુપ્ત સ્થાને મૌલાનાની પૂછપરછ કરવામાં આવી રહી છે. મોડાસામાં ગત 31 જાન્યુઆરીના રોજ ભડકાઉ ભાષણ આપવા અને એટ્રોસિટી મામલે ફરિયાદ નોંધાઈ હતી. કથિત ભડકાઉ ભાષણ આપવાના સંવદેનશીલ મામલામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. મૌલાનાની ધરપકડ બાદ પોલીસ તેને કોર્ટમાં રજૂ કરી શકે છે. ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
જૂનાગઢ, સામખિયાળી બાદ મોડાસામાં મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી
31 જાન્યુઆરીની રાત્રે જૂનાગઢમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા બદલ ગુજરાત પોલીસે 5 ફેબ્રુઆરીએ મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરી હતી. તેના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જૂનાગઢ પોલીસે સલમાન અઝહરી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. ત્યારબાદ, 6 ફેબ્રુઆરીના રોજ, કચ્છ-પૂર્વ પોલીસે 31 જાન્યુઆરીએ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખિયાળી ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા બદલ અઝહરી વિરુદ્ધ બીજી એફઆઈઆર નોંધી હતી અને હવે મોડાસામાં પણ કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા બદલ સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.