સુરતમાં ધારાસભ્ય અને મેયર વચ્ચે થયો લેટર વોર
અમિત રૂપાપરા,સુરત: સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તાર સાથે મહાનગરપાલિકા દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાના કારણે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા મેયરને લેટર લખવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીથી મેયરે ધારાસભ્યના લેટરનો જવાબ આપતા ધારાસભ્યએ ફરીથી મેયરને મહાનગરપાલિકાએ સીસી રોડ માટે એક પણ રૂપિયો આપ્યો નથી તેવો લેટર લખવામાં આવ્યો છે. એટલે કે મેયર અને ધારાસભ્ય વચ્ચે લેટર વોર શરૂ થયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.
સુરતીઓ અન્ય ઝોનમાં રહેવા મજબૂર
દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પર આવનાર સુરત શહેર સ્માર્ટ સિટી કહેવાય છે પરંતુ મૂળ સુરત એટલે કે સેન્ટ્રલ ઝોનનો વિસ્તાર હજુ પણ પાયાની સુવિધાથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા ખુદ પાયાની સુવિધાનો અભાવ હોવાની વાત મેયરને પત્ર લખીને કરી રહ્યા છે . પાયાની સુવિધાના અભાવના કારણે મૂળ સુરતીઓ અન્ય ઝોનમાં રહેવા જવા માટે મજબૂર બન્યા છે.
ગ્રાન્ટમાંથી આ રકમ ફાળવવામાં આવી
ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા મેયરને જે પત્ર લખવામાં આવ્યો હતો તે બાબતે મેયરે કયા કયા વિકાસના કાર્યો સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં થયા છે તેની માહિતી ધારાસભ્યને આપી હતી. પરંતુ હવે ફરીથી ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા મેયરને વળતો જવાબ આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝોન સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા ઓરમાયુ વર્તન કરવામાં આવતું હોય તેવું આ પત્રમાં લખ્યું છે. તેમને જણાવ્યું છે કે, મેયર દ્વારા જે વિકાસના આંકડા આપવામાં આવ્યા છે. તેમાં સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી છે. તેમાં પાલિકાનો એક પણ રૂપિયો ખર્ચ થયો નથી. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ રકમ ફાળવવામાં આવી છે.
આ રસ્તો બની જવો જોઈતો હતો
અરવિંદ રાણા દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે તેમાં તેને જણાવ્યું છે કે, નવાપુરા ચોકસી બજારમાં 2019ના વર્ષમાં ડ્રેનેજની લાઈન નાખવામાં આવી હતી. 2020માં પાણીની લાઈન અને તેનું નેટવર્કનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. તો 2021માં આ રસ્તો બની જવો જોઈતો હતો. પરંતુ 2024 પૂરું થવા આવ્યો છતાં રસ્તો બન્યો નથી અને તે પાલિકાની કામગીરીનો પુરાવો છે. સમગ્ર સેન્ટ્રલ ઝોનમાં આ એક રસ્તો નહીં પરંતુ મોટાભાગના રસ્તાઓ આ પ્રકારના છે.
આ પણ વાંચો: જેતપુરમાં 44 જેટલા શાકભાજીના લારીઓ વાળાને ઓટલા આપવામાં આવ્યા, જયેશ રાદડિયા રહ્યા હાજર
આ મુશ્કેલી ક્યારે દૂર થશે?
ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા મેયરને સવાલો પૂછવામાં આવ્યા છે કે, સેન્ટ્રલ ઝોનમાં રસ્તા બનાવવાની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થતા કેટલા વર્ષ લાગશે? પેઢીઓથી સેન્ટ્રલ ઝોનના મૂળ સુરતીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે તેમની આ મુશ્કેલી ક્યારે દૂર થશે? અને આગામી બજેટમાં સેન્ટ્રલ ઝોનના વિકાસ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે તેવી પણ ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખીને માગણી કરી છે.