MBBS ગુણ સુધારણા કૌભાંડમાં 6 વર્ષ બાદ HNG યુનિવર્સિટીએ અંતે ફરિયાદ નોંધાવી

ભાવેશ ભોજક, પાટણ: પાટણ ઉત્તર ગુજરાત યુનિ.માં વર્ષ 2018માં MBBS ગુણ કૌભાંડને 6 વર્ષ વીતી ગયા બાદ તપાસના અંતે હવે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં ચાર વિદ્યાર્થી અને બે વ્યક્તિઓ પરીક્ષામા રી એસેસમેન્ટ વિભાગમા રોજમદાર કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુ ચર્ચિત એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ અંતે 6 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવા પામી છે. વર્ષ 2018માં MBBSના પ્રથમ વર્ષની પરીક્ષા પૂર્ણ થયા બાદ રી એસેસમેન્ટની કામગીરી દરમિયાન ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલી ગુણ સુધારાનું કૌભાંડ પ્રકાશમાં આવવા પામ્યું હતું. આ કૌભાંડ મામલે યુનિ.ના કારોબારી સભ્ય દ્વારા લેખિતમાં કુલપતિને જાણ કરવામાં આવતા આખરે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થવા પામ્યો હતો.
એમબીબીએસ ગુણ સુધારણા સમગ્ર પ્રકરણ મામલે પાટણના ધારાસભ્ય પટેલે પણ વિધાનસભા ગૃહમાં મુદ્દો ઉઠાવી ચર્ચાઓ કરી હતી. આ બાબતે યુનિવર્સિટીએ બે સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી. આ તપાસ સમિતિએ પ્રાથમિક તપાસ કરી રિપોર્ટ યુનિવર્સિટીને સુપ્રત કર્યો હતો. તપાસ સમિતિના રિપોર્ટમાં પણ ગેરરીતિ થઈ હોવાનું જણાવ્યું હતું. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને સરકારે પણ તેની નોંધ લીધી અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આઈએસ અધિકારી નાગરાજને પ્રથમ આ તપાસ સોંપી હતી અને ત્યાર બાદ આ તપાસ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપવામાં આવી હતી. પંકજ કુમારે આ સમગ્ર પ્રકરણની ઝીણવટપૂર્વક તપાસ કરી 19/8/21માં તપાસ અહેવાલ ઉચ્ચ શિક્ષણ કમિશ્નરને સોંપ્યો હતો. જે અહેવાલમાં પુનઃ મૂલ્યાંકનની કામગીરી દરમ્યાન બેઠક નં.391, 392 અને 406 એમ ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવાહીઓ ગુમ થઇ હોવાનું અને તેને બદલે બીજી લખેલી ઉત્તરવહીઓ મુકાઈ હોય તેમ તપાસમાં બહાર આવવા પામ્યું હતું.
આ મામલે CID દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. CIDના તપાસ રિપોર્ટ બાદ પણ સરકાર કે યુનિવર્સિટી દ્વારા આ બાબતે કોઈ ફરિયાદ ન નોંધાવતા છેવટે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ બાબતે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં છેલ્લી મુદતે હાઇકોર્ટે 17 માર્ચ સુધીમાં સરકાર કે યુનિવર્સિટી ફરિયાદ નોંધવા બાબતે નિર્ણય નહીં લેતો હાઇકોર્ટ કોણ ફરિયાદી બનશે તે બાબતે આદેશ કરશે. જેથી હાઇકોર્ટના હુકમથી 17 માર્ચના રોજ યુનિવર્સિટીએ કારોબારી બેઠકમાં આ મુદ્દો મૂકી ફરિયાદ નોંધવાનો નિર્ણય કરતા ગત મોડી રાત્રે યુનિ.ના કુલપતિ કે. સી. પોરીયા અને રજીસ્ટાર રોહિત દેસાઈ પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગુણ સુધારણા કૌભાંડ મામલે 6 વ્યક્તિઓ સામે નામ જોગ ફરિયાદ નોંધાવા પામી હતી.
યુનિવર્સિટીના વર્તમાન સત્તાધીશોએ આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા મનાતા તત્કાલીન કુલપતિ ડોક્ટર જે.જે વોરા અને પરીક્ષા વિભાગના અન્ય જવાબદાર અધિકારીઓને છાવરી રોજમદાર એવા નાના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને દોષિત ઠેરવી તેમની સામે નોંધાવેલી આ ફરિયાદ શિક્ષણવિદોમાં ભારે ચર્ચાસ્પદ બની છે.