પલસાણામાંથી ઝડપાઈ MD ડ્રગ્સ બનાવતી ફેકટરી, 51 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ: ગુજરાતમાંથી વધુ એક વખત ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. ગુજરાત ATS એ સુરત ગ્રામ્ય પલસાણામાં એમ.ડી. ડ્રગ્સ બનાવતી ફેકટરી ચાલતી હોવાની માહિતીના આધારે રેડ કરી હતી. આ દરમિયાન એટીએસની ટીમને 31 લીટર એમ.ડી. લિકવીટ ફોર્મમાં અને 4 કિલો હાડ ફોર્મ ડ્રગ્સ મળ્યું છે. જેની કિંમત 51 કરોડ રૂપિયા થાય છે.
ગુજરાત ATS એ સુરત ગ્રામ્ય પલસાણામાં કારેલી ખાતે પતરાનો શેડ બનાવી એમ.ડી. ડ્રગ્સ બનાવતી ફેકટરીમાં રેડ પાડી હતી. જ્યાંથી ત્રણ આરોપી ધરપકડ કરવામાં આવી છે. આ ફેક્ટરીમાં છેલ્લા દોઢ મહિનાથી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની જાણકારી પણ સામે આવી છે. આરોપી સુનીલ યાદવ ફેકટરીમાં રો-મટીરીયલ લાવવાનું કામ કરતો હતો. ત્યાં જ વિજય ગજેરા ઇલેક્ટ્રિક એન્જિનિયર છે અને ફેકટરીમાં મેન્યુંફેકચરિંગ કામ કરતો હતો. ત્રીજો આરોપી હરીશ કોરાટ ફેકટરીમાં અન્ય કામ કરતો હતો.
એટીએસની પકડમાં આવ્યા બાદ આરોપીઓએ કબૂલાત કરી છે કે, તેઓ દોઢ મહિનામાં એમ.ડી. ડ્રગ્સ તૈયાર કરીને મુંબઈના ડ્રગ્સ માફિયા સલીમ સૈયદને આપ્યું હતું. તેમણે લગભગ ચાર કિલો એમ.ડી. ડ્રગ્સ મુંબઈ મોકલ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો: હરણી બોટકાંડની અર્ધવાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ નેતા ધરણા કરે તે પહેલા જ અટકાયત
20 હજારના ભાડે શેડ રાખ્યો હતો
ત્રણેય આરોપીઓએ સુરત ગ્રામ્ય પલસાણામાં કારેલી ખાતે પતરાનો શેડ 20 હજાર રૂપિયામાં ભાડે રાખ્યો હતો અને રહેણાંક વિસ્તારથી નજીક આ ફેકટરી શરૂ કરી હતી. જોકે આરોપીઓએ કેમિકલ પ્રોડક્ટ બનાવવાના નામે શેડ ભાડે લીધો હતો. આ કેસમાં મુંબઈ ડ્રગ્સ માફિયાને પકડવા ગુજરાત ATSની એક ટીમ મુંબઈ રવાના થઈ ગઈ છે.